પાટિલ અને સરકારને શાહે સમજાવ્યા ‘શાન’માં!

- રાજકોટની પ્રથમ મુલાકાત વેળા પાટિલે કરેલા ઉચ્ચારણોથી માંહોમાંહ ઈગો ક્લેશ થયો હતો

ગુજરાત ભાજપના પ્રમુખપદે આવ્યા બાદ સી.આર.પાટીલે કરેલાં બેફામ જાહેર નિવેદનોને કારણે સરકાર અને સી.આર.વચ્ચે આંતરિક વિવાદ ઊભો થયો હતો, જેની ફરિયાદ છેક ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચી હતી. અમદાવાદ આવેલા અમિત શાહે સરકાર અને સી.આર.ને સાનમાં સમજાવી દીધા હતા અને તેમને પેટાચૂંટણીમાં લાગી જવાના આદેશ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ચાર્જ સંભાળતાંની સાથે જ રાજકોટની પ્રથમ મુલાકાત દરમિયાન જ સરકાર સામે આડકતરો ઈશારો કરી
કહ્યું હતું કે ટિકિટ મેળવવા એવું ન વિચારતા કે મુખ્યમંત્રી રાજકોટના છે તો ટિકિટ મળી જશે, આવો વહેમ પણ ન રાખતા. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જિતાડવા કોંગ્રેસના 8 ધારાસભ્યને ભાજપમાં લેવામાં આવ્યા હતા એ મામલે પણ આકરા પ્રહારો કર્યા હતા. એની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને ટિકિટ આપવા મામલે પણ સી.આર.પાટીલે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો. પરિણામે, ભાજપની રૂપાણી સરકાર અને સી.આર. વચ્ચે વિખવાદ ઊભો થયો હતો. આ અંગેની ફરિયાદો અને રજૂઆત છેક અમિત શાહ સુધી પહોંચી હતી, તેથી હાલ અમદાવાદ આવેલા અમિત શાહે સી.આર.પાટીલ અને સરકાર બંનેને સાનમાં સમજાવી તેમનેપેટાચૂંટણીમાં લાગી જવાની સલાહ આપી હોવાનું જાણવા મળે છે.

પક્ષપલ્ટુ મામલે પણ ઊલટા-પુલટા મતાંતર
તાજેતરમાં જ સૌરાષ્ટ્રના એક કાર્યક્રમમાં પણ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાય છે એ સામે ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલે લાલ આંખ કરીને કહ્યું હતું કે કોંગ્રેસના તકસાધુઓ માટે ભાજપમાં જગ્યા નથી. જ્યારે સરકારના મંત્રી આર.સી. ફળદુએ પાટીલથી જુદો સૂર કાઢ્યો છે. ફળદુએ કોંગ્રેસના નેતાઓને આવકારવાનો સ્પષ્ટ સંકેત આપતાં કહ્યું હતું કે વિકાસપ્રવાહમાં કોઈપણ જોડાઈ શકે છે.
ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માત્ર કોંગ્રેસ નહીં, ભાજપ માટે પણ
પ્રતિષ્ઠાનો જંગ છે, કેમ કે કોંગ્રેસે પોતાની આ તમામ 8 બેઠક સાચવવાની છે તો ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલ માટે પણ આ જંગ એક લિટમસ ટેસ્ટ છે, ખાસ કરીને ભાજપપ્રમુખ પાટીલે તો કોંગ્રેસમુક્ત ભાજપ અને કોંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશ સામે ખુલ્લો વિરોધ કર્યો હતો અને હાલ એ જ પેરાશૂટને જિતાડવા પાટીલની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

રિલેટેડ ન્યૂઝ