9000 લાભાર્થીઓના ફોર્મ જમા ન થતા ભારે દેકારો

આવાસ યોજનાના ફોર્મ વિતરણની મુદત પૂર્ણ થયા બાદ સર્જાઇ અંધાધુંધી

રાજકોટ તા.27
રાજકોટ મહાનગરપાલીકાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇડબલ્યુએસ પ્રકારના કવાર્ટરના ફોર્મ વિતરણ તેમજ પરત કરવાની મુદ્દત તા.25 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ ચુકી છે છતા 15600 ફોર્મ વિતરણની સામે ફક્ત 6766 ફોર્મ પરત આવતા બાકી રહી ગયેલા અરજદારોમાં દેકારો બોલી ગયો છે અને ફોર્મ પરત લેવાની મુદ્દતમાં વધારો કરવાની જોરદાર માંગ ઉઠવા પામી છે. આ બાબતે સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડે ઉચ્ચ અધિકારીઓને ફોન કરી સંપૂર્ણ માહિતી મંગાવી છે. ત્યારબાદ સંભવત: ફોર્મ પરત લેવાની મુદ્દતમાં વધારો કરવામાં આવશે.
શહેરના પ્રાઇમ લોકેશન નાના મવા રોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટની આજુબાજુ બનાવવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇડબલ્યુએસ પ્રકારના 542 એલઆઇજી પ્રકારના 1268 અને એમઆઇજી પ્રકારના
1268 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને ફોર્મ વિતરણ કરવાનો પ્રારંભ ફેબ્રુઆરી માસમાં કરવામાં આવ્યો હતો. જેની મુદ્દત તા.25 ફેબ્રુઆરી રાખવામાં આવેલ. આઇસીઆઇસીઆઇ બેંકની 13 બ્રાંચ અને મહાનગરપાલીકાના છ સિવિક સેન્ટર ખાતેથી તા.25 ફેબ્રુઆરી સુધીમાં 15600 ફોર્મનું વિતરણ કરવામાં આવેલ જેની સામે 6766 અરજદારોએ ડોકયુમેન્ટ સહિત ફોર્મ પરત કર્યા છે. જ્યારે બાકી રહેતા 9000 થી વધુ લાભાર્થીઓએ કોઇપણ કારણોસર સમયમર્યાદામાં ફોર્મ પરત ન કરી શકતા ગઇકાલે અને આજે અરજદારો મનપાના આવાસ યોજના વિભાગમાં ઉમટી પડયા હતા તેમજ ફોન કરી ફોર્મ પરત કરવાની મુદ્દત વધારવામાં આવેલ તેવી માંગ કરી હતી.
ઇડબલ્યુએસ આવાસ યોજનાના ફોર્મ પરત લેવાની મુદત પૂર્ણ થવા છતા 60 ટકા અરજદારો ફોર્મ પરત કરી શકયા નથી જેનું મુખ્ય કારણ ફોર્મમાં ઉલ્લેખ કરવામાં આવેલ તમામ ડોકયુમેન્ટ દરેક અરજદાર પાસે ઉપલબ્ધ


ન હોવાથી તેમજ આવકનો દાખલો અને ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ સહિતના ડોકયુમેન્ટ તાત્કાલીક મળી શકતા ન હોવાના કારણે અનેક લાભાર્થીઓએ 10 દિવસ પહેલા ફોર્મ મેળવી લીધેલ હોવા છતા ડોકયુમેન્ટ પુરતા ન હોવાથી
આજ સુધી ફોર્મ પરત કરી શકેલ નથી. પરીણામે છેલ્લા બે દિવસથી જે લાભાર્થીઓએ ડોકયુમેન્ટ પૂર્ણ કર્યા હોય તે તમામ લોકોએ આવાસ યોજના વિભાગમાં પુછપરછનો મારો ચલાવ્યો હતો. પરીણામે અધિકારીઓ દ્વારા આ બાબતે સ્ટે. ચેરમેન તેમજ શાસક પક્ષ નેતાનું ધ્યાન દોરતા તેમણે અધિકારીઓ પાસેથી વિગત મંગાવી છે.
આવાસ યોજનાના ફોર્મ વિતરણ અને પરત કરવાની તારીખમાં એક વખત મેયર દ્વારા વધારો કરવામાં આવેલ છતા
અટપટા ડોકયુમેન્ટના કારણે અનેક અરજદારોએ મુશ્કેલી વેઠીને ડોકયુમેન્ટ હાથવગા કરવામાં સમય લાગતા મુદત પૂર્ણ થઇ ચુકી છે ત્યારે 15600 ફોર્મનું વિતરણ થયું જેની સામે 6766 ફોર્મ જ પરત આવ્યા છે. આથી બાકી રહેતા 9000 થી વધુ લાભાર્થીઓ મકાન વિહોણા ન રહી જાય તે માટે સ્ટે. ચેરમેને ફોર્મ પરત કરવાની મુદત વધારવા માટે મેયર તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી છે. પરીણામે આવતીકાલે અથવા આગામી દિવસોમાં ઇડબલ્યુએસ આવાસ યોજનાના ફોર્મ પરત કરવાની મુદતમાં વધારો કરવાની સંભાવના જોવાઇ રહી છે. જ્યારે ફોર્મ વિતરણની મુદ્દતમાં વધારો કરવામાં નહીં આવે ફક્ત બાકી રહી ગયેલા લાભાર્થીઓને લાભ મળે તે માટે પરત લેવાની મુદ્દતમાં વધારો કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

રિલેટેડ ન્યૂઝ