રાજકોટની પ્રખ્યાત ચિકીમાં ઘાલમેલ, સેમ્પલ ફેઇલ

નોનવેજ ફુડસના ચાર સેમ્પલ લેવાયા: 42 ખાણીપીણીની રેંકડીઓમાં ચેકીંગ 40 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ તા.15
રાજકોટ મનપાના ફુડ વિભાગ દ્વારા નોનવેજ રેસ્ટોરન્ટ તેમજ કેટરર્સવાળાને ત્યાં ચેકીંગ હાથ ધરી ચાર સ્થળેથી અલગ-અલગ ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ગત માસે લેવામાં આવેલ ચીકીના સેમ્પલનો રીપોર્ટ આવતા 3 બ્રાન્ડેડ ચીકી મીસ બ્રાન્ડેડ હોવાનું રીપોર્ટમાં જાહેર થયું હતું અને તમામ ચીકી ખાવાલાયક ન જણાતા રાજકોટમાં શિયાળાની શરૂઆતમાં બનાવવામાં આવેલ ચીકી 3-3 માસ સુધી વેચવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
મનપાના ફુડ વિભાગ દ્વારા શિયાળાના મધ્યમાં અનેક ચીકીના વેપારીઓને ત્યાં ચકાસણી હાથ ધરી અલગ-અલગ ચીકીઓના સેમ્પલ પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવેલ. જેનો રીપોર્ટ ઉનાળાની શરૂઆત ટાણે જ આવતા 3 ચીકીના સેમ્પલ ફેઇલ ગયાનું જણાવવામાં આવેલ. જેમાં ચાંદની સીઝન સ્ટોર જાગનાથ પ્લોટમાંથી લેવાયેલ ચીકીમાં વેજ-નોનવેજનો લોગો નહીં હોવાનું તેમજ બેસ્ટ બીફોર તારીખ નહીં હોવાનું અને અખિલેશ કોલ્ડડ્રીંકસ એસ્ટ્રોન ચોક, અખિલેશ બ્રાન્ડ ગોળ સીંગની ચીકીમાં બેચ નંબર તેમજ ઉત્પાદન તારીખ દર્શાવેલ નહીં હોવાનું અને સાત્વીક ફુડ પ્રોડકટ ટાગોર રોડ પર આવેલ સાત્વીક પીનટ ચીકીમાં ઉત્પાદન તારીખ દર્શાવેલ નહીં હોવાનું જણાવવામાં આવેલ. આમ ત્રણેય સેમ્પલમાં ઉત્પાદન તારીખ નહીં હોવાથી ખોરી તેમજ બગડી ગયેલ ચીકી પુરા શિયાળા દરમ્યાન વેચતા હોવાનું પણ બહાર આવ્યું છે. આથી ફુડ વિભાગ દ્વારા ત્રણેય ચીકીના ઉત્પાદકો વિરૂધ્ધ ફુડ સેફટીના નિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
ફુડ વિભાગ દ્વારા પેડક રોડ, સૌરાષ્ટ્ર હાઇસ્કુલ રોડ, અમીન માર્ગ, સાધુ વાસવાણી રોડ, 150 ફુટ રીંગરોડ અને રૈયા રોડ વિસ્તારોમાં રેકડીઓમાં ખાણીપીણીનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી 40 કિલો બીનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજોના નાશ કરી આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. જ્યારે 13 હોકર્સ ઝોનમાં ખાદ્ય પદાર્થનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં પણ ચેકીંગ હાથ ધરી અનહાઇજેનીક બાબતે ધંધાર્થીઓને નોટીસ આપવામાં આવી હતી. ઉપરોક્ત કામગીરી આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા જાહેર જનઆરોગ્ય હિતાર્થે તેમજ લોકોને આરોગ્યપ્રદ તેમજ સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કરવામાં આવી હતી.
ફુડ વિભાગ દ્વારા રાજકોટમાં નોનવેજ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા રેસ્ટોરન્ટ, હોટલો તેમજ કેટરર્સ સર્વિસવાળાઓને ત્યાં ચકાસણી હાથ ધરી સદર બજાર, નુતન પ્રેસ રોડ પર આવેલ ભારમલ રેસ્ટોરન્ટ એન્ડ કેટરર્સમાંથી ચીકન મસાલા લુઝનું સેમ્પલ તથા સદર બજારમાં આવેલ એ-વન કેટરર્સમાંથી ચીકન કડાઇ લુઝનું સેમ્પલ અને સદર બજાર મેઇન રોડ પર આવેલ બાલાજી ગ્રીન કિચનમાંથી બટર ચીકન સબ્ઝી લુઝનું સેમ્પલ અને હોટ એન્ડ મોર રેસ્ટોરન્ટ જવાહર રોડમાંથી મટન મસાલા સબ્ઝી લુઝનું સેમ્પલ સહિત ચાર સ્થળોએથી સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ઇંડાની લારીઓમાં ચકાસણી કેમ નહીં ?

ફુડ વિભાગ દ્વારા જનઆરોગ્ય હિતાર્થે હોટલ-રેસ્ટોરન્ટ તેમજ ખાણીપીણીની રેકડીઓ અને નોનવેજ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તમામ ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ કામગીરી હાથ ધરી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે પરંતુ રાજકોટમાં શેરીએ-ગલીએ હજારોની સંખ્યામાં ઉભી રહેતી ઇંડાની લારીઓમાં વાસી બ્રેડ તેમજ બગડેલા ઇંડા બોઇલ કરીને તેની કરી અને ખીમો બનાવી લોકોને વર્ષોથી ખવડાવવામાં આવી રહ્યા છે છતા કયારેય ફુડ વિભાગ દ્વારા ઇંડાની લારીઓમાં ચકાસણી થતી નથી.
પરીણામે આ પ્રકારનો ખાદ્ય પદાર્થ ખાવાથી અનેક લોકો
બીમાર પડી રહ્યા છે છતા ફુડ વિભાગ ચુપકીદીથી તમાશો જોઇ
રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ