સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠંડીનો ચમકારો

રાજકોટ તા.15
સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા બે દિવસથી ઉનાળાના આગમનના એંધાણ સમી ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે ત્યારે આજે વાતાવરણ ટાઢુબોળ થઇ ગયું હતું અને તાપમાનનો પારો 2 થી 4 ડીગ્રી સુધી ઘટી જતા ફરી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. જો કે બપોરે સૂર્યનારાયણે ગરમી પકડી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છના ઠંડીની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉંચે ચડી રહ્યો છે. તેના કારણે લોકોએ એસી, પંખા વાપરવાનું શરૂ કરી દીધું છે. જો કે છેલ્લા ત્રણ મહિના દરમ્યાન ઠંડીએ સમગ્ર પ્રદેશમાં કહેર વર્તાવ્યો હતો પરંતુ હોળી નજીક આવતા જ ઉનાળાનું આગમન થઇ ચૂકયુ હોવાનો અહેસાસ લોકો કરી રહ્યા છે.
આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો ફરી નીચે ઉતર્યો હતો. રાજકોટ શહેરમાં ગઇકાલ કરતા પારો 4 ડીગ્રી નીચે ઉતરી ગયો હતો. તેના કારણે શહેરીજનોએ વહેલી સવારે ઠંડીનો અનુભવ કર્યો હતો. શહેરનું આજે લઘુતમ તાપમાન 14.1 ડીગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 65 ટકા રહેવા પામેલ હતું. જ્યારે પ્રતિ કલાક 7 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.
આ ઉપરાંત કેશોદમાં 14.6, ભાવનગરમાં 16.4, પોરબંદરમાં 14.8, વેરાવળમાં 18.1, દ્વારકા 19.4, ઓખા 18.5, ભૂજ 17, નલીયા 12, સુરેન્દ્રનગર 14.8, કંડલા 14.5, અમરેલી 15.6, મહુવા 15.1, દીવમાં 15.5 ડીગ્રી તાપમાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો 20 ડીગ્રી અંદર પહોંચી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ