PPPના 95 આવાસોમાં સેટીંગ, અલ્પના મિત્રાનું કારસ્તાન !

બી.એન.સોલંકી નામના યુવાને આત્મવિલોપનની ચીમકી આપી ધરણાં ઉપર બેસતા સનસનાટી
મુખ્યમંત્રી સહિતનાને પત્ર પાઠવી તટસ્થ તપાસની કરી માંગ, અનેકના તપેલા ચઢી જવાની સંભાવના

રાજકોટ તા.14
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરમાં વસવાટ કરતા મધ્યમ અને ગરીબ પરીવારો માટે આવાસ યોજનાઓ બનાવવામાં આવી રહી છે. જે પૈકી પીપીપી ધોરણે તૈયાર થતી આવાસ યોજનાઓમાં બીલ્ડરોને કરોડો રૂપિયાનો ફાયદો કરાવી દેતા હોવાના બનાવો અનેક વખત બહાર આવ્યા છે. જ્યારે બીજી બાજુ બીલ્ડરને ખટાવ્યા બાદ પીપીપી ધોરણે ઉભી થતી આવાસ યોજનાઓમાં અસરગ્રસ્તોને આવાસો ફાળવવાની સાથોસાથ મનપાના આવાસ યોજના વિભાગના અધિકારી અલ્પનાબેન મિત્રાએ 95 આવાસો સગાવ્હાલાઓને ફાળવી દીધા હોવાના સનસનાટીભર્યા આક્ષેપ સાથે બી.એન.સોલંકી નામના યુવાને ધરણા પર બેસી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.
પીપીપી ધોરણે તૈયાર થતી આવાસ યોજનાઓમાં મોટા કૌભાંડો થતા હોવાની રજૂઆત સાથે બી.એન.સોલંકી નામના યુવાને કોર્પોરેશન કચેરી ખાતે ધરણા ઉપર બેસી મ્યુનિ. કમિશ્નર અને મુખ્યમંત્રીને પત્ર પાઠવી કૌભાંડોમાં સંડોવાયેલા અધિકારીઓ વિરૂધ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માગ સાથે જણાવેલ કે પીપીપી આવાસ યોજનાના મુખ્ય જવાબદાર અધિકારી અલ્પનાબેન મિત્રાએ નાના મવા સર્વે નં.123 પૈકી ટીપી ફાઇનલ પ્લોટ નં.288 અને 95 માં પોતાની સત્તાનો દુરુપયોગ કરી કેટલાક બોગસ લાભાર્થી ઉભા કર્યા છે. પાછળથી આવા બોગસ લાભાર્થીઓએ આવાસો વેચી મારવાનું ષડયંત્ર કર્યુ છે. શહેરી વિકાસ શહેરી ગૃહવિભાગ નિર્માણ દ્વારા રાજ્યના શહેરી વિસ્તારોમાં આવેલી ઝુંપડપટ્ટીઓમાં પુન: સ્થાપન તેમજ તે જ સ્થળે લાભાર્થીઓ માટે આવાસો બનાવી આપવાની પીપીપી યોજના અમલમાં મુકી છે. આથી અસરગ્રસ્તોને ત્યાં જ આવાસો આપવામાં આવે પરંતુ અધિકારી અલ્પનાબેન મિત્રા દ્વારા પીપીપી યોજનાના આવાસો લાભાર્થીઓને આપવાના બદલે લાગતા-વળગતાઓને આપી દીધા છે.
આવાસ યોજનાઓમાં કૌભાંડો આચરવામાં આવ્યા હોવાનું જણાવી બી.એલ.સોલંકીએ મુખ્યમંત્રીને પણ પત્ર પાઠવી જણાવેલ કે અધિકારી અલ્પનાબેન મિત્રા દ્વારા બોગસ લાભાર્થીઓ ઉભા કરાયા છે જેઓ શહેરી વિકાસ મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલ ઠરાવના દાયરામાં આવતા નથી. આ વાત એકદમ સાચી છે. મે તંત્રને ગેરમાર્ગે દોરવા કે અધિકારીને બદનામ કરવા માટે આક્ષેપ કર્યા નથી. જો મારા આક્ષેપ ખોટા હોય તો મારી સામે કાર્યવાહી કરવાની છુટ આપુ છું. રાજકોટના વતની વિજયભાઇ રૂપાણી ભ્રષ્ટાચારીઓ સામે ખુલ્લો જંગ કરી રહ્યા છે. આથી તેઓ પોતાની આબરૂ રાખવા કૌભાંડના સૂત્રધાર અલ્પનાબેન મિત્રા સામે ગુનો દાખલ કરાવે અને દિવસ 10 માં ગુનો દાખલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે. અન્યથા આત્મવિલોપન કરી તંત્રને ઢંઢોળીશ તેમજ સીઆઇડી ક્રાઇમની તપાસ પણ માગીશ અને ગુજરાત હાઇકોર્ટના દ્વાર પણ ખખડાવીશ.
રાજકોટ મહાનગરપાલીકાના એન્જીનીયર સ્પે. આવાસ અલ્પનાબેન મિત્રા દ્વારા કરોડોનું જમીન કૌભાંડ કરવામાં આવેલ છે. આવાસના બોગસ લાભાર્થી ઉભા કર્યા છે.
આ મેડમ વગદાર હોય રાજકોટ મનપા તેની તપાસ કરતું નથી. પોલીસ ફરીયાદ લેતી નથી. અરજીનો જવાબ લેવાની તસ્દી પોલીસ લેતી, આ કૌભાંડ અંગે પુરાવાનું પ્રદર્શન અને ધરણા કરવાની બે વખત મંજુરી માગી તો મંજુરી પોલીસ આપતી નથી. પોલીસની છાપ ફિલ્મી પોલીસ જેવી બની રહી છે જે ગુંડા બદમાશ અને ભૂમાફીયાને મળેલી હોય.

અગાઉ કૌભાંડનો ભોગ બની યુવાને આત્મહત્યા કરેલ

આ મહા કૌભાંડી અલ્પનાબેન મિત્રાના કારણે નિલેશ જોશી નામના બ્રાહ્મણ યુવાનને આત્મહત્યા કરવી પડેલ આ મેડમ નાના મવા સર્વે નં.123 પૈકી ટીપી કાુ. પ્લોટ નં.288 ની કરોડની જમીનમાં બોગસ લાભાર્થી ઉભા કરેલ છે. તેની સામે ન્યાય માટે હું જવાબદારોને સતત રજૂઆત કરુ છું જેથી તેઓ મને નુકસાન પહોચાડવા ગમે તે હદે જઇ શકે છે. મને કઇ થાય તો આ અલ્પનાબેન મિત્રાને જવાબદાર ગણી કાર્યવાહી કરવા અગમચેતીના પગલારૂપે આ જાણવા જોગ અરજી કરુ છું.

રિલેટેડ ન્યૂઝ