અનામત: અલ્પેશનું અલ્ટિમેટમ, નીતિન પટેલનો ‘ખો’

મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની તાકીદની બેઠક મળી; અનામતનું કોકડુ મુખ્યમંત્રી ઉકેલશે; નાયબ મુખ્યમંત્રીની જાહેરાત
ઠરાવ રદ નહીં કરાય તો પદયાત્રા કાઢવા અલ્પેશ ઠાકોરનું એલાન; કાલે મહેસાણા બંધ
રાજકોટ તા,14
અનામત વિવાદનો રસ્તો કાઢવામાં રાજ્ય સરકાર દિશાહિન બની ગઈ છે. એલાન બાદ પણ વિવાદી પરીપત્ર અને અનામત અંગે કોઈ ચોખવટ નહી કરવામાં આવતા સરકાર ઘેરી કટોકટીમાં ફસાઈ ગઈ છે. વિવાદ ટાળવા આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની તાકિદની બેઠક મળી હતી.

બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે અનામતનું કોકડુ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉકેલશે. બીજી બાજુ અલ્પેશ ઠાકરોે 48 કલાકનું અલ્ટીમેટમ આપી ઠરાવ રદ્દ કરવામાં નહી આવે તો પદયાત્રા કાઢવાનું એલાન આપ્યુ છે.
અનામતનો વિવાદ દિવસને દિવસે ઘેરો બની રહ્યો છે ત્યારે આવતીકાલે મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. તે પૂર્વે આજે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જેટલુ શકય હશે તેટલી અનામત આપવામાં આવશે. જેની જાહેરાત મુખ્યમંત્રી રૂપાણી કરશે.
ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી અનામત વર્ગની મહિલાઓ તરફથી એલઆરડીની પરીક્ષા મામલે તા. 1-08-2018ના રોજ સરકાર તરફથી કરવામાં આવેલો ઠરાવ રદ કરવા અંગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાદમાં સરકારે આ ઠરાવ રદ કરવાની ખાતરી આપી હતી. સરકારની આવી જાહેરાત બાદ હવે બિન-અનામત વર્ગના ઉમેદવારો ધરણા પર બેઠા છે. એટલે કે હવે સરકારના ગળામાં હાડકું બરાબરની ફસાયું છે. ત્યારે ગત વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે હવે સરકારને આ ઠરાવ રદ કરવા માટે સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. 48 કલાકમાં સરકાર કોઈ પગલાં નહીં ભરે તો તેની સામે પદયાત્રા કરવાની ચીમકી અલ્પેશ તરફથી ઉચ્ચારવામાં આવી છે. એટલે કે હવે ભાજપના નેતાઓએ જ સરકાર સામે બાંયો ચઢાવી છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 64થી વધારે દિવસોથી ઓબીસી સમાજની દીકરીઓ આંદોલન કરી રહી છે. એક ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે જે ગરીબોના અધિકારો પર તરાપ મારવા સમાન અને અન્યાય કરવા સમાન છે. આ ઠરાવ સંદર્ભે રાજ્ય સરકારે ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે આ ઠરાવ બાબતે સુધારો કરવામાં આવશે. ત્રણ દિવસ વીતી ગયા છતાં હજી આ ઠરાવ નથી કરવામાં આવ્યો. રાજ્ય સરકારને નમ્ર અપીલ કરુ છું કે 48 કલાકમાં આનો નિવેડો લાવો. સરકાર કોઈ પગલાં નહીં લે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીશ.
અલ્પેશે વધુમાં જણાવ્યું હતું કે પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટેની હશે. સંવિધાનિક અધિકારોના જતન માટે હશે. ગરીબોના અધિકારોના રક્ષણ માટે હશે. એ પછી પણ કોઈ નિવેડો નહીં આવે તો સોમવારે ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ ઘડીશું. પરંતુ મને આશા છે કે રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરશે. છેલ્લા બે દિવસથી કેટલાક લોકો ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે. આ લોકોને વિનંતી કે ગુજરાતમાં અશાંતિ ફેલાય તેમજ વર્ગ-વિગ્રહ થાય તેવું કોઈ કામ ન કરે.

સરકાર વર્ગ-વિગ્રહ કરાવે છે: કોંગ્રેસ
અલ્પેશ ઠાકોરના અલ્ટિમેટમ મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, રાજ્યના તમામ વર્ગને અન્યાય કરવો એ ભાજપનો એજન્ડા બની ગયો છે. સરકારના ઈશારે સરકારના માણસો

આંદોલનમા જોડાઈ રહ્યા છે. સરકાર આંદોલનના નામે વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે. સરકાર ઉકેલ લાવવાનને બદલે નાટક કરે છે. પ્રવર્તમાન સળગતા મુદાઓથી ધ્યાન ભટકાવવા સરકાર હિંસા કરાવી વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે. ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે અનામત અને બિન-અનામત વર્ગને સામ-સામે લાવાનું કામ કર્યું છે. ભાજપ નેતાઓ આ આંદોલન પાછળ સક્રિય છે.

કોંગ્રેસ સલાહ ન આપે: નીતિન પટેલ
એલઆરડી અનામત પરિપત્રની ગૂંચ ઉકેલવા માંટે બિન અનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બેઠક પૂર્ણ થઇ ગયા બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગના પ્રતિનિધિઓએ

પોતાની સમસ્યાઓ અમારી સામે વર્ણવી છે. અમે આ બાબતો મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ રજૂ કરીશું. આ અંગે મુખ્યમંત્રી રૂપાણી અંતિમ નિર્ણય લેશે. કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા નાયબ મુખયમંત્રીએ જણાવ્યું હતું કે અનામત વિવાદ ઉકેલવા કોંગ્રેસ સલાહ ન આપે. કોંગ્રેસ જ રાજ્યમાં વર્ગ વિગ્રહ ફેલાવે છે. સરકાર કોઈ સમાજ સાથે ભેદભાવ નહીં કરે તેવું આશ્ર્વાસન આપ્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ