રૂપાણી સરકારે અમીરી-ગરીબી વચ્ચે બાકાયદા દીવાલ ઊભી કરી

અમદાવાદ તા.14
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મિલાનિયા ટ્રમ્પ 24-15 ફેબ્રુઆરીએ અમદાવાદ આવી રહ્યા છે. અહીં તેઓ વિશ્ર્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે. મહેમાનના સ્વાગતમાં અમદાવાદ એરપોર્ટથી લઈને મોટેરા સ્ટેડિયમ સુધીના વિસ્તારને કરોડોના ખર્ચે નવા રંગરૂપ આપવામાં આવી રહ્યા છે.

જોકે, ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગતની તૈયારીઓ વહીવટી તંત્રના એક પગલાંને લીધે વિવાદમાં આવી ગઈ છે. વાત એમ છે કે, અમદાવાદ એરપોર્ટથી નીકળીને જે રસ્તે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મોટેરા સ્ટેડિયમ સુધી જવાના છે, તે રસ્તા પર એરપોર્ટ નજીક આવેલી ઝૂંપડપટ્ટીઓને તેમની નજરથી બચાવવા માટે તાત્કાલિક દીવાલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશી મહેમાનોને રસ્તાની બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીઓ દેખાય નહીં તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝૂંપડપટ્ટીઓને છૂપાવવા માટે ઊંચી દીવાલ બનાવવાનું શરૂ કર્યું છે. તસવીરોમાં જોઈ શકાય છે કે, કઈ રીતે તાત્કાલિક દીવાલ બનાવીને ઝૂંપડપટ્ટીઓને છૂપાવવાનું હાથ ધરવામાં આવ્યું છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરાષ્ટ્રીય એરપોર્ટને ઈન્દિરા બ્રિજ સાથે જોડતા રસ્તાના કિનારે ઝૂંપડપટ્ટી આવેલી છે. જેને છૂપાવવા માટે દીવાલ બનાવાઈ રહી છે
શહેરમાં એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારમાં અચાનક આવડી મોટી દીવાલ બનાવાઇ રહી છે, ત્યારે અમદાવાદના મેયર બિજલ પટેલે આશ્ચર્યજનક નિવેદન આપતા આ દીવાલ અંગે કહ્યું કે, મેં દીવાલ જોઈ નથી, મને આ અંગે કંઈ ખબર નથી.
સૂત્રો મુજબ, જે રસ્તે ડોનાલ્ડ ટ્રમ્પ પસાર થવાના છે, તે રસ્તાના નવા રંગરોગાન પાછળ 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, સમગ્ર રસ્તા પર ડેકોરેટિવ લાઈટો લગાવવાનો ખર્ચ 1 કરોડ રૂપિયાની આસપાસ આવશે, પરંતુ તેને લઈને હજુ નિર્ણય લેવાનો બાકી છે.

પોતાના ઘરે જવા પણ આઇ-કાર્ડ બતાવવા પડે છે!
જ્યારે વીવીઆઇપી અથવા તો રાજ્યના કોઈ મહેમાન સાબરમતી આશ્રમની મુલાકાત લે ત્યારે ત્રણ સોસાયટીઓના લોકોને પોતાના ઘરે જવા જ મંજૂરી લેવી પડે છે! રિવરફ્રંટની પશ્ચિમે આવેલા આશ્રમની સામેની બાજુ એટલે કે નદીની પૂર્વ દિશામાં આવેલા ત્રણ એપાર્ટમેન્ટના લોકોને પોતાના જ ઘરે મહેમાન બનીને જવું પડે છે! વીવીઆઇપી મહેમાનોની મુલાકાત દરમિયાન આ સોસાયટીઓમાં રહેતા લોકો પોતાના ઓળખ પત્ર અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્ટેમ્પવાળો ગેટ પાસ બતાવે તો જ

તેમને એન્ટ્રી મળે છે. ત્રણ એપાર્ટમેન્ટ: એક્વા શીતલ, ઈસ્કોન રિવરસાઈડ અને કેટલાક અંશે શિલાલેખ ગાંધીજીના ઘર હૃદયકુંજની બરાબર સામે આવેલા છે. વીવીઆઈપી મહેમાનોની મુલાકાત વખતે આ ત્રણેય ફ્લેટના ધાબા સિક્યોરિટી પ્લેટફોર્મ બની જાય છે. યુનિફોર્મમાં સજ્જ સુરક્ષાકર્મીઓ દૂરબીન વડે ઝીણામાં ઝીણી ગતિવિધિ પર નજર રાખે છે. દરેક પ્રવૃત્તિની માહિતી વાયરલેસ થકી આપતા રહે છે. સાબરમતી આશ્રમ ખાતે વીઆઇપીની મુલાકાત પહેલા અને પછી આ પ્રકારે જ કામગીરી થાય છે.

રિલેટેડ ન્યૂઝ