ધો. 10ના હજારો વિદ્યાર્થીઓની પરીક્ષા ખતરામાં!

25 હજારથી વધુ વિદ્યાર્થીઓના ફોર્મને આચાર્યએ મંજૂરી નહી આપતા વિદ્યાર્થીઓ સાથે વાલીઓના જીવ ઉચક
18 ડિસેમ્બર સુધીમાં ફોર્મ મંજૂર કરવા શિક્ષણ બોર્ડનો તમામ સ્કૂલોને પરીપત્ર
રાજકોટ તા. 12
ધો. 10ના બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની નિયત મુદત પૂર્ણ થઇ ગઇ છે ત્યારે હજુ પણ અનેક સ્કૂલોમાં ધો. 10ના હજારો વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ પર આચાર્યની મંજૂરી જ બાકી છે. અંદાજે 25 હજાર જેટલા ફોર્મ પર આચાર્યનું અપ્રુવલ નથી. જેથી બોર્ડે તમામ સ્કૂલોના આચાર્યોને પરિપત્ર કરીને 18મી સુધીમાં ફોર્મ અપ્રુવ કરવા આદેશ કર્યો છે.
ગ્રામ્ય વિસ્તારની ઘણી સ્કૂલોના આચાર્યો ઓનલાઇન પદ્ધતિથી જ અજાણ હોય વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરાયા બાદ અને ફી પણ ભરાયા બાદ આચાર્યનું જ અપ્રુવલ નથી હોતું. બોર્ડના નિયમ મુજબ પરીક્ષા ફોર્મ ભરાઇ ગયા બાદ ફોર્મની તમામ વિગતો ચકાસીને આચાર્યએ ફોર્મ અપ્રુવ કરવાનું હોય છે અને તે ફોર્મ જ બોર્ડમાં માન્ય ગણાય છે. ધો.10ના બોર્ડ પરીક્ષા ફોર્મ ભરવાની મુદત 19 ઓકટોબરથી 18 નવેમ્બર સુધી નિયત કરાઇ હતી. ત્યારબાદ રજુઆતને પગલે મુદત વધારી 25 નવેમ્બર કરાઇ હતી.
જયારે લેટ ફી સાથે 18મી ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત અપાઇ છે. મહત્વનું છે કે હજુ સુધી ઘણી સ્કૂલોમાં આચાર્યનું અપ્રુવલ જ ફોર્મ પર બાકી છે. અંદાજ 25 હજાર જેટલા ફોર્મ પર આચાર્યોનું અપ્રુવલ નથી. ઘણા ફોર્મમાં ફી પણ ભરાઇ ગઇ છે પરંતુ આચાર્યનું અપ્રુવલ

બાકી હોવાથી તે ફોર્મ રજીસ્ટર્ડ થયા નથી. જેને લઇને બોર્ડે આજે પરિપત્ર કરીને તાકીદ કરી છે કે 18મી ડિસેમ્બર સુધીમાં આચાર્ય દ્વારા ફોર્મ અપ્રુવ કરી દેવામાં આવે. 18મી બાદ ફોર્મમાં કોઇપણ સુધારો નહીં થઇ શકે અને 18મી ડિસેમ્બર બાદ આચાર્ય ફોર્મ અપ્રુવ પણ નહી કરી શકે.

રિલેટેડ ન્યૂઝ