RTO ઇન્સ્પેકટરના બંધ મકાનમાંથી રિવોલ્વર, દાગીના,બે લેપટોપની ચોરી

અમદાવાદ નોકરી કરતા ઇન્સ્પેકટર ઘરે આંટો મારવા આવ્યા ત્યારે રિવોલ્વર મુકીને ગયા
તે જ દિવસે રાત્રે તસ્કરો કળા કરી ગયા
રાજકોટ તા. 11
રાજકોટમાં ચોરી, લૂંટ, છેડતી અને દુષ્કર્મ જેવા બનાવોને અટકાવવા પોલીસે કમર કસી છે ત્યારે પોલીસના સઘન પેટ્રોલીંગ વચ્ચે એરપોર્ટ રોડ પર આવેલી ગીત – ગુર્જરી સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી આર.ટી.ઓ ઇન્સ્પેકટરના બંધ મકાનમાંથી રિવોલ્વર, દાગીના અને બે લેપટોપ સહિત રૂા. 1.45 લાખની ચોરી કરી ગયા હતા જે અંગે ગાંધીગ્રામ પોલીસ ચોપડે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ એરપોર્ટ રોડ પર ગીત ગુર્જરી સોસાયટી શેરી નં. 1માં રહેતા અને હાલ અમદાવાદ ખાતે આર.ટી.ઓ ઇન્સપેકટર તરીકે નોકરી કરતા અમરભાઇ જયંતકુમાર વ્યાસ (ઉ.વ.30)એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. 7/12ના તેઓ અમદાવાદથી રાજકોટ તેમના ઘરે આવ્યા હતા અને તેમણે છ મહિના પહેલા સ્વરક્ષણ માટે લીધેલી લાયસન્સ વાળી રિવોલ્વર અને કારટીસ નં. 25 ઘરે મુકીને તા. 9/12ના સવારે પરત અમદાવાદ ગયા હતાં.
દરમિયાન તેમના પરિવારજનો પણ ઘરને તાળુ મારી બપોરે તેમના સાસુના ઘરે ગયા હતા અને બીજા

દિવસે સવરે તેમના ઘરે કામવાળા બેન આવતા ઘરનો દરવાજો નકુચો તુટેલો હોય અને ઘરમાં સામાન વેર વિખેર પડેલો હોય જેથી કામવાળા બેને ફરીયાદીના પત્નીને ફોન કરી જણાવતા તેમના પત્નીએ ફરીયાદીને જણાવ્યુ હતું જેથી તેઓ અમદાવાદથી રાજકોટ દોડી આવ્યા હતા અને તપાસ કરતા કોઇ શખ્સ ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી કબાટની તીજોરીનું ખાનુ તોડી તેમા રાખેલી રિવોલ્વર અને કારટીસ (કિ. 75000), સોનાનુ મંગળસુત્ર તથા બ્રેસલેટ દીઠ તોલાનું (કી. 40000) તથા બે લેપટોપ મળી કુલ રૂા. 145000ની ચોરી કરી ઘરમાં પડેલો માલ સામાન વેર વિખેર કરી નાશી ગયા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે આરટીઓ ઇન્સ્પેકટરની ફરીયાદ પરથી અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તેની શોધખોળ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ