રાજકોટ 7 લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો : 5ની ધરપકડ

ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોડી રાત્રે મળેલી સફળતા : તમામ મુદ્દામાલ કર્યો રિકવર
રાજકોટ તા.21
રાજકોટ શહેરના કપિલા હનુમાન મંદિર પાસે ભરબપોરે આંગડિયા પેઢીના કર્મચારીને અટકાવી તેની પાસેથી 7 લાખ રોકડા લૂંટી લીધાની ઘટનાને પગલે પોલીસમાં ભારે દોડધામ મચી જવા પામી હતી પરંતુ ફરિયાદી પ્રથમથી જ શંકાના દાયરામાં હોય તેની ઉલટ તપાસ કરી સીસીટીવી ફૂટેજ આધારે લૂંટારૂઓને ઝડપી પાડવા જુદી જુદી દિશામાં ટિમો દોડાવાઈ હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે અગાઉથી જ સકંજામાં રહેલા ફરિયાદી અને તેની ગેંગના 4 સભ્યોને ઝડપી લઇ તમામ મુદામાલ રિકવર કરી લીધો હતો
શહેરના સંતકબીર રોડ ઉપર નવદુર્ગા આંગડિયા પેઢીમાં નોકરી કરતા મૂળ પટનાના વિક્રમસિંહ બિહારી ગત બપોરે અઢી વાગ્યે બાઈક લઈને સોનીબજારમાં આવેલી જયભારત આંગડિયા પેઢીમાંથી 7 લાખ રૂપિયા રોકડાનું આંગળિયું લઈને થેલામાં પૈસા રાખી પરત સંતકબીર રોડ ઉપર જતા હતા ત્યારે કપિલા હનુમાન મંદિર પાસે પહોંચ્યા ત્યારે જ અચાનક એક્સેસ લઈને ધસી આવેલા બે શખ્સોએ તેમને આંતરી 7 લાખ રોકડા ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો અને નાશી છૂટ્યા હતા ધોળા દિવસે 7 લાખ લૂંટની ઘટના

સામે આવતા સનસનાટી મચી જવા પામી હતી ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચ, એ ડિવિઝન સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સીસીટીવી ફૂટેજ આધારે જુદી જુદી દિશામાં ટિમો દોડાવાઈ હતી તો બીજી તરફ અગાઉથી જ શંકાના દાયરામાં રહેલા ભોગ બનનાર ફરિયાદીની પણ ઉલટ તપાસ હાથ ધરવામાં આવતા પોતે વટાણા વેરી દીધા હતા અને પોલીસ પાસે પોપટ બની ગયેલા ફરિયાદીએ સમગ્ર પ્લાન અંગે કબૂલાત આપી દીધી હતી અને લૂંટના આ પ્લાનમાં બે લૂંટારુ સહીત 4 શખ્સો સામેલ હોવાનું જણાવ્યું હતું જયારે સીસીટીવી અને ટેક્નિકલ સર્વેલેન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચની એક ટુકડી પણ લૂંટારુઓ સુધી પહોંચી ગઈ હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે ફરિયાદી કમ આરોપી સહીત 5 શખ્સોને ઉઠાવી લીધા હતા અને રોકડા 7 લાખ કબ્જે કર્યા હતા આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો પણ કબ્જે કર્યા હતા આ અંગે વધુ વિગતો પત્રકાર પરિષદમાં આપવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ