મિલકત વેચાણ પહેલા વ્યવસાયવેરો ભરપાઇ કરવો ફરજિયાત

રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં વ્યવસાય કરતા દુકાનદારો, કારખાનેદારો તેમજ અન્ય નાના-મોટા વેપારીઓ તથા પેઢીના કર્મચારીઓને વ્યવસાયવેરો ભરવો ફરજીયાત છે. વ્યવસાયવેરાનો નિયમ રાજ્ય સરકાર દ્વારા ફરજીયાત બનાવતા મનપા દ્વારા 32000 આસામીઓને વેરો ભરપાઇ કરવા માટે નોટીસ ફટકારવામાં આવેલ. પરીણામે આજ સુધીમાં 39673 ધંધાર્થીઓએ વ્યવસાય વેરો ભરપાઇ કરતા મનપાને આ વર્ષે સૌથી વધુ 23.38 કરોડની આવક થઇ છે. જ્યારે બાકીદારો ઉપર ગાળીયો કસવા મનપાએ નવો નિયમ બનાવ્યો છે. જે મુજબ મિલ્કત વેચાણ થયે વ્યવસાય વેરો ભરપાઇ કર્યાની પહોંચ રજૂ કરવામાં નહીં આવે તો વેરા બીલમાં નામ ટ્રાન્સફર નહીં થાય.
રાજકોટ શહેરમાં નાનામોટા 39673 ધંધાર્થીઓએ વ્યવસાય વેરો ભરપાઇ કર્યો છે. જેની સામે ગત વર્ષે 26968 ધંધાર્થીઓએ વ્યવસાયવેરો ભરપાઇ કર્યો હતો. મનપાની આવકમાં ગત વર્ષ કરતા આ વર્ષે 10 કરોડ વધુ વેરા પેટે આવ્યા છે ત્યારે બાકીદારો ઉપર તુટી પડવા રાજ્ય સરકારે આદેશ કરતા તાજેતરમાં વ્યવસાયવેરા વિભાગે 16 હજારથી વધુ નોટીસ ફટકારી છે. જ્યારે ગત માસે વ્યવસાયવેરા વ્યાજમાફી યોજના અમલમાં મુકવામાં આવેલ જેનો લાભ લઇ 16000 થી વધુ ધંધાર્થીઓએ વેરો ભરપાઇ કર્યો હતો. જ્યારે બાકી રહેતા ધંધાર્થીઓ વિરૂધ્ધ બેંક ખાતા સીલ કરવા સુધીના પગલા લઇ શકાય છે પરંતુ તમામ કાર્યવાહી દરમ્યાન સમયનો વેડફાટ થતો હોય મહાનગરપાલીકાએ નવો નિયમ અમલમાં મુકયો છે જેની અસર અમુક ધંધાર્થીઓને થવાની છે. કોઇપણ ધંધાર્થી પોતાની પ્રોપર્ટીનું વેચાણ કરશે ત્યારે દસ્તાવેજ બનાવવામાં તકલીફ નહીં પડે પરંતુ વેરાબીલમાં નામ ટ્રાન્સફર કરતી વખતે જુના ધંધાર્થીએ વેચાણ વેરો ભરેલો હોવો ફરજીયાત છે અને છેલ્લો વ્યવસાય વેરો ભર્યાની રસીદ રજૂ કરવામાં આવશે ત્યારે જ નવા ધંધાર્થીનું નામ વેરા બીલમાં સમાવેશ થશે. વ્યવસાય વેરા વિભાગના જણાવ્યા મુજબ હાલ સ્ટાફ ઓછો હોવાથી રીકવરી કામગીરીમાં વિક્ષેપ પડી રહ્યો છે અને સમયસર કામગીરી ન થવાથી અમુક ધંધાર્થીઓ તેનો લાભ લઇ વેરો ભરપાઇ કરતા નથી. મિલ્કત વેરાના નિયમ મુજબ વેરો ન ભરનારની મિલ્કત સીલ કરવામાં આવે છે પરંતુ વ્યવસાયવેરો વિભાગની તમામ કામગીરી રાજ્ય સરકાર હસ્તક હોવાના કારણે બાકીદારો વિરૂધ્ધ કોર્ટ કાર્યવાહી કરવા માટે સમય અને નાણાનો વ્યય થતો હોવાથી ફક્ત મિલ્કત વેચાણ માટે વ્યવસાય વેરો ભરેલો હોવો જોઇએ તેવો એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આજ સુધીમાં શહેરના નાના ધંધાર્થીઓ તેમજ કારખાનેદારો સહિતના 39673 ધંધાર્થીઓએ વ્યવસાયવેરો ભરતા મનપાને રૂા.23.38 કરોડની આવક થઇ છે. જ્યારે 16000 બાકીદારોને વેરો ભરપાઇ કરવા માટે નોટીસ આપવામાં આવી છે જે સમયસર ભરપાઇ નહીં થયે તેમની વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવામાં આવશે તેમ વ્યવસાય વેરા વિભાગે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ