રાજકોટમાં શીત લહેરથી છવાયું ટાઢોડું : 18.9 ડિગ્રી

નલિયામાં ત્રણ ડિગ્રી પારો ઉચકાયો ; 15મી પછી રાજ્યમાં ઠંડી ભૂકકા કાઢશે
રાજકોટ તા,9
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલ હિમવર્ષાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ પવનના સુસવાટાના કારણે સવારે ઠંડીનો અનુભવ નગરજનોએ કર્યો છે. આજે – ગઈકાલ કરતા નલિયામાં તાપમાનનો પારો ઉચકાયો હતો.
પારો ત્રણ ડિગ્રી નલિયામાં ગઈકાલે 14 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. આજે તાપમાન ઉચકાઈને 17.2 ડિગ્રીએ પહોંચી ગયું હતું. રાજકોટમાં 20 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરનું લઘુતમ તાપમાન 18.9 ડીગ્રીએ પહોંચી ગયું હતું. સવારના પવનનું જોર રહેતા લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
જમ્મૂ કાશ્મીરમાં હવામાનનો મિજાજ બદલાઇ ગયો છે. જાણિતા પર્યટન સ્થળ ગુલમર્ગમાં ચોતરફ બરફની ચાદર પથરાઇ ગઇ છે. જમ્મુ-કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના હવામાન ઉપર

અસર થઈ છે. ગઈકાલે કાતિલપવનના સુસવાટાના કારણે વાતાવરણ ટાઢુબોળ થઈ ગયું હતું.
મહા વાવાઝોડું દરિયામાં સંપૂર્ણપણે સમાધિ લીધી છે તો દક્ષિણ ભારતનું બુલબુલ વાવાઝોડું પણ ચાર-પાંચ દિવસમાં વર્તાશે. જોકે ત્યારે આગામી સમયમાં ચોતરફ સ્થિતિ સામાન્ય થશે 15મી તારીખ સુધીમાં ગુજરાતમાં ઠંડીનો પ્રારંભ થશે. ઠંડા પવનો આગામી સપ્તાહે ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોમાં ફુકાશે તેથી શિયાળાની શરૂઆત થઇ જશે.
હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાંથી નૈઋત્યના ચોમાસાની વિદાયની જાહેરાત કરી દીધી છે. કચ્છથી લઈને અમદાવાદમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જ્યારે શિયાળાની શરૂઆત ટૂંક સમયમાં થાય તેવી શક્યતા છે. જોકે આગામી દિવસોમાં ડબલ સિઝનનો અનુભવાશે.
ગુજરાતમાં આ વખતે સારો વરસાદ હોવા છતાં પણ લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. પરંતુ એક અઠવાડિયાથી રાત્રે શિયાળાની ગુલાબી ઠંડીનું આગમન થઈ ચૂક્યું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. જોકે આગામી ટૂંક સમયમાં ગુજરાતમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત થશે તેવું હવામાન વિભાગે જાહેરાત કરી છે.

રિલેટેડ ન્યૂઝ