રાજકોટમાં CM નો ભાજપ મિલન કાર્યક્રમ કેન્સલ

અયોધ્યા ચુકાદા બાદ મુખ્યમંત્રી રાજકોટ
છેલ્લી ઘડીએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં
ફેરફાર કરાતા વહીવટી તંત્રમાં દોડધામ
રાજકોટ તા.9
અયોધ્યામાં રામમંદિર અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પગલે આજે રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાનાર શહેર ભાજપનો સ્નેહમિલનનો કાર્યક્રમ કેન્સલ કરી દેવામાં આવ્યો છે.
આજે મુખ્યમંત્રી રાજકોટમાં 296 કરોડના પ્રોજેકટનું ભૂમિપૂજન કરવા બપોરના બે વાગ્યે રાજકોટ આવી રહ્યા છે. છેલ્લી ઘડીએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવતા વહીવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
અયોધ્યાના ચુકાદાને ધ્યાનમાં રાખીને ભાજપના સ્નેહમિલન સહિત સમગ્ર કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જાહેરાત સાથે શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી હતી.
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, શ્રીરામ જન્મભૂમિ – અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે ત્રણ દિવસ સુધી ગુજરાતભરમાં યોજાનાર ભાજપાના સ્નેહમિલન તથા અન્ય કાર્યક્રમો મુલતવી રાખવામાં આવેલી છે. વાઘાણીએ કાર્યકરોને અપીલ કરતા જણાવ્યું હતું કે, વર્ષોથી આપણે સૌ શ્રીરામ જન્મભૂમિ અંગેના ચુકાદાની રાહ જોઈ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટનો જે કંઈ ચુકાદો આવે તે ચુકાદાને સ્વીકારીને ગુજરાતમાં શાંતિ સદભાવ અને સોહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સહભાગી બનીએ.
દિવાળી બાદ પ્રદેશ ભાજપના દરેક જિલ્લા અને શહેર સંગઠન દ્વારા નવા વર્ષેના સ્નેહમિલન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. દિવાળીના આ સ્નેહમિલન કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર મામલે આવનારો ચુકાદો કેન્દ્ર સ્થાને રહ્યો હતો. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કાર્યકરો ને સંબોધતા ભાજપ દ્વારા કરવામાં આવેલા તમામ વચનો હવે પૂર્ણ થઈ રહ્યા છે. જે અંતર્ગત હવે રામ મંદિરનો પણ ચુકાદો અવાનો છે ત્યારે ભાજપનો દરેક કાર્યકર એ સમાજની વ્યવસ્થા બની રહે અને સંયમ જળવાય એ ભાજપનો રોલ રહેવાની સૂચના આપી હતી. આ મામલે પ્રદેશઅધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રામ મંદિરનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરવાની છે. ચુકાદો આવે ત્યારે સમાજની વ્યવસ્થા બની રહે અને સંયમ જળવાય એ ભાજપનો મુખ્ય રોલ રહેશે. આજ વાત પ્રધાનમંત્રી અને અમિત શાહ કરે છે.

રિલેટેડ ન્યૂઝ