ચુકાદો કોઇની હાર-જીત નહીં

એકતા અને સદભાવની મહાન પરંપરા જાળવી રાખવા દેશવાસીઓને અપીલ
નવી દિલ્હી: અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવાની અપીલ કરી છે. વડાપ્રધાને એક પછી એક ટ્વીટ કરીને દરેક વર્ગના લોકોને સદ્ભાવના જાળવી રાખવાની અપીલ કરી છે. પીએમે ટ્વીટ કરીને કહ્યું કે, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી રહ્યો છે. ગત કેટલાક મહિનાઓથી સુપ્રીમ કોર્ટમાં નિરંતર આ વિષય પર સુનાવણી થઈ રહી હતી. સમગ્ર દેશ ઉત્સુકતાથી જોઈ રહ્યો હતો. આ દરમિયાન સમાજના દરેક વર્ગ તરફથી સદ્ભાવનાનું વાતાવરણ જાળવી રાખવા માટેના પ્રયાસો સરાહનીય છે. પીએમે કહ્યું કે, દેશની ન્યાયપાલિકા પ્રત્યે માન-સન્માનને સર્વોપરિ રાખતા સમાજના દરેક પક્ષોએ, સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોએ, દરેક પક્ષકારોએ ગત દિવસોમાં સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક વાતાવરણ જાળવી રાખવા માટે જે પ્રયાસ કર્યા છે, તે સ્વાગત યોગ્ય છે. કોર્ટના નિર્ણય પછી આપણે બધાએ સાથે મળીને આ સૌહાર્દ જાળવી રાખવાનું છે. પીએમે વધુ એક ટ્વીટમાં કહ્યું છે કે, અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે. તે કોઈની હાર-જીત નહીં હોય. દેશવાસીઓને મારી અપીલ છે કે આપણા દરેકની પ્રાથમિકતા એ છે કે નિર્ણય ભારતની શાંતિ, એકતા અને સદ્ભાવનાની મહાન પરંપરાને વધારીએ.

રિલેટેડ ન્યૂઝ