કોંગ્રેસી કાર્યકરે દોસ્ત પર કર્યા છરીના ઘા

રાજકોટ તા.8
શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. પોલીસની જાણે ધાક ઓસરી રહી હોય તેમ અવારનવાર સરાજાહેર મારામારી, લૂંટ જેવા બનાવો બનતા રહે છે ત્યારે આજે સવારે ગોંડલ રોડ ઉપર દોશી હોસ્પીટલ પાછળ આવેલી પંચશીલ સોસાયટીમાં સરાજાહેર લોહાણા પ્રૌઢની હત્યાનો પ્રયાસ થતા ચકચાર મચી જવા પામી છે. કટલેરીના વેપારીને ફોર્ચ્યુનર કારમાં ધસી આવેલા તેના જ મિત્ર કોંગ્રેસના કાર્યકરે છરીના ઉપરાછાપરી પાંચથી છ ઘા ઝીંકી દઇ ફરાર થઇ જતાં ઇજાગ્રસ્ત પ્રૌઢને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયા છે. જ્યારે પોલીસે ફોરર્ચ્યુનર કારમાં નાસી છુટેલા કોંગ્રેસી કાર્યકરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. યુવતી બાબતનો ડખ્ખો કારણભૂત હોવાની ચર્ચા સેવાઇ રહી છે.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર એચ.જે.દોશી હોસ્પીટલ પાછળ આવેલા માધવ પાર્કમાં રહેતા તારેશભાઇ હિંમતભાઇ દક્ષિણી (ઉ.વ.53) નામના લોહાણા પ્રૌઢ આજે સવારે પોતાનું બાઇક લઇ જતા હતા ત્યારે દેશી હોસ્પીટલ પાસે પંચશીલ સોસાયટીમાં શ્રધ્ધા ગાર્ડન પાસે પહોચ્યા ત્યારે કોંગ્રેસી કાર્યકર કપીલ વાજા ફોરર્ચ્યુનર કાર નં.1111 માં ધસી આવ્યો હતો અને તેણે સરાજાહેર તારેશભાઇને પેટના ભાગે તથા પડખામાં છરીના પાંચથી છ ઘા ઝીંકી દેતા લોહાણા પ્રૌઢ ફસડાઇ પડયા હતા અને ઘટનાસ્થળે લોહીનું ખાબોચીયું ભરાઇ ગયું હતું. કોંગ્રેસી કાર્યકર પર હુમલો કરી ફોરર્ચ્યુનર કાર લઇ નાસી છુટયો હતો.
સરાજાહેર બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત કોંગ્રેસી કાર્યકરને તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતા માલવીયાનગર પી.આઇ. એન.એન.ચુડાસમા, પીએસઆઇ ચંપાવત, મશરીભાઇ સહિતનો સ્ટાફ હોસ્પીટલે દોડી ગયો હતો.
જ્યારે બીજી તરફ નાસી છુટેલા આરોપીને ઝડપી લેવા માલવીયાનગર પોલીસ સ્ટાફ અને ક્રાઇમ બ્રાંચની બે ટીમોએ નાકાબંધી કરી કોંગ્રેસી કાર્યકરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં તારેશભાઇ લોહાણાને ઘર નીચે જ કટલેરીની દુકાન ધરાવે છે. આરોપી કપીલ વાજા તારેશભાઇના ઘર નજીક જ અલય પાર્કમાં રહે છે તથા તારેશભાઇનો મિત્ર જ હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસી કાર્યકર અવારનવાર તારેશભાઇની દુકાને બેસવા આવતો હતો પરંતુ છેલ્લા 4-5 દિવસથી કોઇ બાબતે માથાકુટ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે. યુવતી બાબતનો ડખ્ખો કારણભૂત હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
પોલીસે કોંગ્રેસી કાર્યકરને ઝડપી લેવા તેના રહેણાક મકાને તપાસ કરી હતી પરંતુ અલય પાર્કમાં જ્યા રહે છે તે મકાનનું રીનોવેશન કામ ચાલુ હોવાથી હાલ તે તાલુકા પોલીસ સ્ટેશન પાસે મોટા મવામાં રહેતો હોવાનું જાણવા મળતા પોલીસ ત્યાં પહોચી હતી પરંતુ કોંગ્રેસી કાર્યકર ત્યાં પણ ન હોય પોલીસે તેની પત્નીને પુછપરછ માટે પોલીસ સ્ટેશને લાવી કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત પ્રૌઢનું ડી.ડી. લેવડાવી પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ