કાલે મુખ્યમંત્રીના હસ્તે રૂા.296 કરોડના પ્રોજેકટોનું ખાતમુહૂર્ત

અટલ સરોવર ગાર્ડન, ઊઠજ આવાસ યોજના, હોસ્પીટલ ચોક ઓવરબ્રીજ સહિતના અગત્યના પ્રોજેકટો મળશે રાજકોટને
રાજકોટ તા.8
રાજકોટએ સોરાષ્ટ્રનું આર્થિક હબ છે. રાજકોટમાં સ્માર્ટ સીટીને અનુરૂપ માળખાગત સુવિધાઓના વિકાસની હારમાળા અવિરત ચાલુ છે. રાજય સરકાર દ્વારા કરોડો રૂપીયાના વિકાસ કામો રાજકોટ ખાતે સાકાર થઇ રહ્યા છે. આવતીકાલના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અંદાજે રૂા.296 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત થનાર છે. મુખ્યમંત્રીના હસ્તે મુખ્યત્વે ટ્રાફીક સમસ્યાના હલ માટે રાજકોટમાં આમ્રપાલી ફાટક ખાતે અંડરબ્રીજનું કામ રેલ્વે વિભાગને સોંપ્યા બાદ સતત ટ્રાફીકથી ધમધમતા હોસ્પીટલ ચોક ખાતે ટ્રાયએંગલ ઓવરબ્રીજ બનાવવાનું અગત્યનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ વિકાસકામોમાં રાજકોટ સ્થિત અટલ સરોવર ખાતે ફેઇઝ -2 ના વિકાસ કામો કે જેમાં અટલ સરોવરમાં ગાર્ડન, લેન્ડ સ્કેપિંગ, બોટોનિક્લ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાઇકલ ટ્રેક,પાર્કિંગ એરિયા, વોકવે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેઇન, ફેરિસ વ્હીલ, બે એમ્ફીથીયેટર, આઇલેન્ડ, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફ્લેગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે તેનો મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે પ્રારંભ કરાવવામાં આવનાર છે.
રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ, રાજકોટ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ યોજના અન્વયે રાજકોટ-કાલાવડ રોડ પર મુંજકા, ખાતે ઇડબલ્યુએસ.-1 ના 80 યુનીટ અને ઇડબલ્યુએસ-2 ના 416 યુનીટ મળી કુલ 496 યુનિટ માટે રૂ.5320.53 લાખની અંદાજીત કિંમતવાળા કામનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કરાશે.
રાજકોટ શહેરના હાલના સૌથી ગીચ ટ્રાફિક સર્કલ ગણાતા હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા તરફથી ફ્લાયઓવર બ્રીજ માટેની કામગીરી હાથ ધરેલ છે. જેમાં સિવિલ હોસ્પિટલ ચોક પર કુવાડવા રોડ, જવાહર રોડ તથા જામનગર રોડ તરફ રસ્તા માટે ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રીજ કે જેનો અંદાજીત ખર્ચ રૂા. 84.71 કરોડ છે. તેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી રૂપાણીના
હસ્તે કરાશે.
રૈયા રોડ એ રાજકોટ શહેરનો મુખ્ય રોડ છે, જેનાં પર દરરોજ આશરે 5 થી 6 લાખ નાગરિકોની અવર જવર રહે છે.
હાલની સ્થિતીએ ઉકત રેલ્વે લેવલ ક્રોસિંગ નં.6 ઉપર રોજ અંદાજે 18 થી 20 ટ્રેન પસાર થતી હોય છે. જેમાં ક્રોસિંગ બંધ કરવાથી પૂષ્કળ માનવ કલાકો, ઇંધણ વિગેરેનાં વ્યય ઉપરાંત હવા તથા ધ્વનિનું પ્રદુષણ ખૂબ જ થતું હોય છે. તેથી આ જગ્યાએ રેલ્વે અન્ડરબ્રીજ બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે. આ કામનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રી રૂપાણીના
હસ્તે કરાશે.
આમ રાજકોટમાં તા. 9મી રોજ રૂા. 296 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત થનાર છે.

રિલેટેડ ન્યૂઝ