ટીમ ઈન્ડિયાનો વિજય રથ રાજકોટથી નાગપુર ભણી

રાજકોટ ખાતે ગઇકાલે બાંગ્લાદેશ સામેની ટી-20 મેચ જીત્યા બાદ ભારતનો વિજયરથ આજે નાગપુર ભણી ઉપડયો હતો પરંતુ રાજકોટ ખાતેથી નાગપુરની ફલાઇટ દોઢ કલાક મોડી હોવાથી બન્ને ટીમના ખેલાડીઓને ઉતારો આપેલ હોટેલના રૂમમાં દોઢ કલાક પુરાયને બેસી રહેવું પડયું હતું અને બાદમાં ફલાઇટ આવતા હોટલ છોડી એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 સીરીઝની પ્રથમ મેચ ભારત હાર્યા બાદ ગઇકાલે રાજકોટના ખંડેરી ગ્રાઉન્ડમાં બીજી ટી-20 મેચ રમાઇ હતી અને તેમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. આ વિજયરથને આગળ વધારવા ભારતીય ટીમ આજે રાજકોટ એરપોર્ટ ખાતેથી ફલાઇટમાં નાગપુરમાં તા.10 ના રોજ રમાનાર મેચ માટે ઉપડી હતી અને ટી-20 સીરીઝમાં કબ્જો મેળવવા આત્મવિશ્ર્વાસથી ભરપુર દેખાતી હતી. તા.4 નવેમ્બરના રોજ રાજકોટ ખાતે આવેલી ભારત-બાંગ્લાદેશની ટીમ આજે સવારે નાગપુર જવા માટે ચેક આઉટ કરાવ્યું હતું. ફલાઇટ 11.30 ની હોવાથી બન્ને ટીમના ખેલાડીઓએ પોતપોતાની ઉતારાની હોટલમાં 10.45 વાગ્યે ચેક આઉટ કરાવ્યું હતું પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ફલાઇટ 1.30 કલાક મોડી હોવાથી બન્ને ટીમના ખેલાડીઓને ફરીથી પોતાના રૂમમાં દોઢ કલાક પુરાઇને રહેવું પડયું હતું. ત્યારબાદ 1.00 વાગ્યે નાગપુર જવા માટેની ફલાઇટ આવતા ખેલાડીઓ હોટલથી એરપોર્ટ જવા માટે રવાના થયા હતા. હોટલમાંથી એરપોર્ટ જવા નીકળેલા ખેલાડીઓની ઝલક જોવા અને દુરથી પોતાના મનપસંદ ખેલાડીઓ સાથે સેલ્ફી લેતા દર્શકો જોવા મળ્યા હતા અને હોટેલ બહાર દર્શકોની ભારે ભીડથી પોલીસ દ્વારા પણ હોટલથી એરપોર્ટ સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. (તસ્વીર : દિવ્યરાજસિંહ સરવૈયા)

રિલેટેડ ન્યૂઝ