આગામી મહિને રૂપાણી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ ?

કેટલાય સિનિયરોના ખાતા અને પતા કપાશે : મંત્રીપદ માટે ધારાસભ્યોએ લોબીંગ શરૂ કર્યુ
જાતિ-જ્ઞાતિના સમીકરણો ઉપર ધારાસભ્યોને મંત્રી બનાવાશે : ગાંધીનગરમાં રાજકીય ધમધમાટ
રાજકોટ તા.8
પેટા ચૂંટણીમાં ત્રણ બેઠક ગુમાવ્યા બાદ ભાજપનાં સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ મળી રહ્યા છે. સાથોસાથ મંત્રીમંડળમાં પણ ફેરફાર કરવાના નિર્દેશ સાપડી રહ્યા છે તે સાથે જ કેટલાક ભાજપના ધારાસભ્યોએ મંત્રીપદ માટે લોબીંગ શરૂ કરી દીધુ છે.
ગુજરાત વિધાનસભાની છ બેઠકની પેટા ચૂંટણીના પરિણામ બાદ હવે ગુજરાત ભાજપ સંગઠનમાં વ્યાપક સ્તરના અને રૂપાણી સરકારની કેબિનેટમાં મહત્વના ફેરફારો તોળાઇ રહ્યા છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે પરામર્શ બાદ તેઓની લીલીઝંડી મળેલી તરત જ તેનો અમલ થશે. એમ સમજાય છે કે, કેબિનેટ વિસ્તરણ, ખાતાઓની ફેરવહેંચણી અને કેટલાક મંત્રીઓની સેવાઓ સંગઠનમાં લેવાના નિર્ણય લગભગ લેવાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે ડીસેમ્બરના મધ્યમા વિધાનસભાનું ત્રિદિવસીય શિયાળું સત્ર યોજાઇ રહ્યું છે તે પૂર્વે આ સુધારા કવાયતનો અમલ થશે.
ભાજપના અંતરંગ સૂત્રોના મતે ગુજરાતમાં ભાજપને વધુ મજબૂત કરવાના આશયથી સરકાર અને સંગઠન બંને કક્ષાએ દૂરવર્તી અસર આણી શકે તેવા ફેરફાર કરવા આ પ્રકારની યાદી તૈયાર થઇ રહી છે. 2017 ની વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ 100 નો આંક પાર કરી શકયો ન હતો. અલબત્ત, ધારાસભ્યોની આવન-જાવન વચ્ચે હાલમાં ભાજપનું સંખ્યાબળ 103 સુધી પહોચ્યું છે અને વિરોધ પક્ષ કોંગ્રેસ પાસે 73 બેઠક છે.
ગુજરાતમાં છ બેઠકની પેટા ચૂંટણી યોજાઇ તેમાં જીત માટે ભાજપ તરફથી સંગઠન અને સરકાર કક્ષાએ તૈયારીઓ જોરદાર હતી પરંતુ પરીણામ આવ્યા ત્યારે કોંગ્રેસ છોડીને

ભાજપની બેઠક પરથી ચૂંટણી લડેલા અલ્પેશ ઠાકોર રાધનપુરથી 3807 વોટથી તથા તેમના સાથી ધવલસિંહ ઝાલા બાયડથી માત્ર 743 વોટથી પરાજીત થયા. થરાદ બેઠક પરથી ભાજપનો 6372 વોટથી પરાજય થયો છે.
આખા ગુજરાતમાં ભાજપ સૌથી વધુ મજબુત અમદાવાદમાં છે. સંપૂર્ણ શહેરી વિસ્તારની અમરાઇવાડી બેઠક પર સૌથી નીચું મતદાન અને એમાં ભાજપ ઉમેદવારની માંડમાંડ જીતે ભાજપના મોવડીઓને દૂરવર્તી ફેરફાર માટે પ્રેર્યા છે.
રૂપાણી મંત્રીમંડળમાં કેટલાક મંત્રીને સંગઠનમાં મોકલાય, કેટલાકના ખાતા બદલાય, કેટલાક નવા મંત્રીને સ્થાન મળે, કેટલાકને કેબીનેટ રેન્ક મળે તે પ્રકારના ફેરફારો શિયાળુ સત્ર પહેલાં કે પછી નિશ્ર્ચિત મનાય છે. અલબત્ત, આ ફેરફારોમાં ઝોન, જાતિ-જ્ઞાતિના સમીકરણો, ધારાસભ્યોનો મતદારો પરનો પ્રભાવ, જેવી સંખ્યાબંધ બાબતોને લક્ષમાં લેવાશે. આ સમગ્ર બાબતોને હાલમાં આખરી ઓપ અપાઇ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ