બર્ફિલા પવનથી સૌરાષ્ટ્રમાં ટાઢોડું; નલિયા 14 ડિગ્રી

નવેમ્બરના પ્રારંભે પ્રથમવાર રાજકોટનું લઘુતમ તાપમાન 20
ડિગ્રીની અંદર પહોંચ્યું
એક જ દિવસમાં તાપમાનનો પારો 5થી 8 ડિગ્રી સુધી ઘટી ગયો
રાજકોટ તા,8
‘મહા’ વાવાઝોડાએ સૌરાષ્ટ્રનું ઋતુચક્ર ખોરવી નાખ્યું હોય તેમ છેલ્લા બે-ચાર દિવસથી સૌરાષ્ટ્રમાં છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ચોમાસુ લંબાતા શિયાળાનું આગમન મોડુ થયું છે. દરમિયાન એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં શિયાળાનું આગમન થઈ ચૂક્યું હોય તેવા બર્ફિલા પવન ફુંકાતા વાતાવરણ ટાડુબોળ થઈ ગયું છે.
વાવાઝોડાના ખતરા બાદ પડેલા વરસાદ બાદ હવામાન સામાન્ય બનવા પામ્યુ છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો હતો. કચ્છમાં એક જ દિવસમાં તાપમાનમાં અસામાન્ય ઘટાડો થયો છે.
સૌરાષ્ટ્રમાં ઠંડાપ્રદેશ તરીકે ઓળખાતા નલિયામાં એક જ દિ’માં તાપમાન 14.2 ડીગ્રીએ પહોચી ગયું હતું. જ્યારે ભૂજમાં તાપમાન 18.7, કંડલામાં 20 ડીગ્રી

તાપમાન નોંધાયુ હતું. આમ કચ્છમાં શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે.
રાજકોટમાં પણ નવેમ્બરના પ્રારંભે પ્રથમવાર પારો 20 ડિગ્રીની અંદર પહોંચી ગયો છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન 19 ડીગ્રી નોંધાયુ હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 40 ટકા રહેવા પામેલ ભાવનગરમાં ઝાકળ વર્ષા થઈ હતી. ભાવનગરનું લઘુતમ તાપમાન 24.6 ડીગ્રી નોંધાયુ હતું.
જ્યારે પોરબંદરમાં 22.8, વેરાવળ 22.2, દ્વારકા 21.4, સુરેન્દ્રનગર 20.5, મહુવામાં 22.7, દિવમાં 22.5 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશનથી આગામી ત્રણ દિવસ રાજકોટ સહિત રાજ્યમાં ઠંડા પવનો અને વાદળિયા વાતાવારણથી ઠંડીના ચમકારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વરસાદી માહોલ વચ્ચે ઠંડીની પકડ વધારે મજબૂત બનશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડા પવનોનું જોર ચાલુ રહેતાં ઠંડીનો ચમકારો વધતાં લોકોને શિયાળાની પ્રારંભની ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે. અપરએર સર્ક્યુલેશન અને ઠંડા પવનોની અસરથી રાજ્યમાં ઠંડકમાં વધારો થયો છે. આગામી ત્રણથી પાંચ દિવસ ઠંડા પવનોની ગતિ 40 કિ.મી. પ્રતિકલાક કે તેથી વધુ રહેતાં ઠંડીનું જોર વધતાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધશે.
ખંભાળિયા : છેલ્લા દિવસોમાં ‘મહા’ વાવાઝોડાની આગાહી બાદ આ સંકટ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલે થયેલી સખત હિમવર્ક્ષા તથા હાલ વાતાવરણમાં પલ્ટો આવતા ખંભાળિયા પંથકમાં પણ માહોલ પલ્ટાયો છે. આજે સવારથી ઠંડા ફૂંકાતા પવનથી શિત લહેર પ્રસરી છે. લોકોએ શિયાળાની ઋતુનો પ્રારંભ થયાનો અનુભવ કર્યો છે. આ સાથે વસ્ત્રોની દુકાનોમાં ગરમ સ્વેટર, શાલ, જેકેટ જેવા ગરમ વસ્ત્રોના વેંચાણનો પણ પ્રારંભ થયો છે. ખાસ કરીને બાળકો તથા વૃધ્ધો ઠંડી સામે રક્ષણ મેળવવા સજ્જ થયા છે.

રિલેટેડ ન્યૂઝ