ગિરનારની પાંચ દિવસીય લીલી પરિક્રમાનો મધ્ય રાત્રિથી પ્રારંભ

આજે 12 ના ટકોરે બંદુકના ભડાકે
વિધિવત થશે પ્રારંભ, ચાર પડાવ
અને ઠેરઠેર અન્નક્ષેત્રો થયા ધમધમાટ
નાગાબાવાઓના દામોદર કુંડમાં શાહી સ્નાન સાથે બુધવારે પરિક્રમાની પૂર્ણાહુતિ
તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત, ઇમરજન્સી સારવાર માટે 12 સ્થળે દવાખાના ઉભા કરાયા હેલ્પલાઇન નંબર : 0285 2622011, 2621435, 2622140, 2620180

જૂનાગઢ તા. 8
8 નવેમ્બર કારતક સુદ અગીયારસ એટલે કે દેવ ઉઠી અગીયારસથી સોરઠ પ્રદેશના 5500 વર્ષોથી પણ વધુ પુરાણા એવા હિમાલયના પિતામહ સમાન સમાધિ વસ્થામાં દર્શીત થઇ રહેલા ગરવા ગિરનારની આધ્યાત્મીક, પ્રાકૃતિક અને ભક્તીભર લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ રહ્યો છે, પાંચ દિવસ ચાલનારી આ પરિક્રમા 12 નવેમ્બરના રોજ પૂર્ણ થશે અને લાખો ભાવિકો લીલી પરિક્રમાનું પૂણ્યનું ભાથુ બાંધી તથા કુદરતી પ્રકૃતિનો અનહદ આનંદ લુટી માદરે વતન પ્રયાણ કરશે.
ગીરનાર પર્વત અને પર્વત ફરતી 36 કિ.મી. વિસ્તારની આ પરિક્રમા દરમીયાન ભાવીકો 4 પડાવ એટલે કે ચાર રાત વાસા કરશે. જેમાં રાબેતા મુજબ પ્રથમ પડાવ ભવનાથ, બીજો પડાવ માળવેલા, ત્રીજો પડાવ નળ પાણી, ચોથો પડાવ બોરદેવી ખાતે કરી તા. 12મી નવેમ્બરના રોજ ભવનાથ પરત આવી દામોદર કુંડમાં સ્નાન કરી પરીક્રમા પૂર્ણ કરશે.
છેલ્લા ઘણાં વર્ષોથી ઉતાવળા પર્રિમાર્થીઓ બે કે ત્રણ દિવસ પહેલાં પરિક્રમા શરૂ કરી દેતાં હતાં. પરંતુ આ વર્ષે મહા વાવાઝોડાને ધ્યાને તંત્ર દ્વારા વહેલી પરિક્રમા શરૂ કરવા પર પ્રતિબંધ મુકી દીધો હોત. છતાં પણ છેલ્લા 3 દિવસથી લોકોની સંખ્યામાં
પરિક્રમાર્થીઓ ભવનાથ તથા પરિક્રમાના અન્ય રૂટો ઉપર આવી દરવાજો ખુલ્લે તેની રાહમાં બેઠા છે, અને પ્રતિબંધ હોવાથી આવતીકાલે પરંપરાગત રીતે રાત્રીના 12 વાગ્યે દરવાજો ખોલવામાં આવશે. ત્યારે સ્વૈચ્છીક સંસ્થાઓ ઉતારા મંડળો અને ભવનાથ ક્ષેત્રનો જગ્યાઓમાં ભાવીકો માટે છેલ્લા બે દિવસથી અન્નક્ષેત્રો શરૂ કરી દેવામાં આવ્યા છે.
દર વર્ષે દશેક લાખ લોકો આ પરિક્રમામાં જોડાય છે. ત્યારે ડીઆઇજી મનીન્દરસિંહ પવારના માર્ગદર્શન અને જીલ્લા પોલીસ વડા સૌરભસિંહની દેખરેખ હેઠળ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 4 જીલ્લામાંથી 10 ડીવાયએસપી, 18 પીઆઇ, 91થી વધુ પીએસઆઇ, 98 એસઆઇ, 84 મહિલા પોલીસ, 183 ટ્રાફીક પોલીસ, એસઆરપી કંપની, 400 હોમગાર્ડ, 400 જીઆરડી પુરૂષ અને 54 મહિલા જીઆરડી ઉપરાંત બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડને તૈનાત કરાયા છે. દર એક કિ.મી.ના અંતરે પરીક્રમા માર્ગ પર પોલીસ રાવટી યાંત્રીક સહાયતા કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.
જીલ્લા કલેકરટ ડો. સોરભ પારધીના માર્ગદર્શન નીચે પરિક્રમા રૂટ ઉપર યાત્રીકો માટે પીવાના પાણી, લાઇટ અને આરોગ્યની છાવણી ઠેર ઠેર ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત ભવનાથમાં એક આરોગ્ય કેન્દ્ર તમામ આધુનિક સુવિધાઓ સાથે ખડુ કરવામાં આવ્યું છે. જ્યાં 24 કલાક નિષ્ણાંત તબીબો અને સ્ટાફને ખડે પગે રખાયા છે. 108 એમ્બ્યુલન્સને પણ સર્તક રખાય છે.
મહાનગરપાલિકાના કમીશ્નર તુષાર સુમેરાની સુચના અનુસાર ભવનાથ વિસ્તારમાં આવેલા ઉતારાઓ, અન્નક્ષેત્રોમાં તથા યાત્રીકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, તથા ફાયર ફાયટરોને ભવનાથ ક્ષેત્રમાં સ્ટેન્ડ 3 રખાયા છે, એરાઉનડથી કલાકો સફાઇ કામદારોને સફાઇ માટે જોતરવામાં આવ્યા છે, તથા પરિક્રમા દરમીયાન વિખુટા પડેલા સ્વજનો તથા અન્ય સહાયતા માટે સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે.
ચાર રાત્રી અને પાંચ દિવસ ચાલનારી આ પરિક્રમામાં અમુક યાત્રાળુઓ પોતાની સાથે ભોજન બનાવવાનો સીધુ – સામગ્રી સાથે લાવી પરિક્રમા દરમીયાન ભૂખ લાગે ત્યાં ભોજન બનાવી વન ભોજનનો આનંદ માણે છે. જો કે મારા ભાગના લોકો ઠેર અન્નક્ષેત્ર અને ઉતારા મંડળો દ્વારા પીરસાતા કાઠીયાવાડી, ગુજરાતી, પંજાબી ભોજનનો રસાસ્વાદ માણે છે અને આવા 100થી વધુ અન્નક્ષેત્રો તથા ગાદલા, ઓસીકા, ઓછાળના ગોદડા, સવારે દાતણ અને ચા – નાસ્તો સાથે ચાલતાં ઉતારા મંડળોનો લાભ લે છે.
વન વિભાગ દર વર્ષેની જેમ આ વર્ષે પણ કાંઇ ઉકાળી શક્યુ નથી લાખો રૂપિયાના બીલ રોડ સમારકામમાં ઉધારાય છે અને જંગલ વિસ્તારમાંથી જ માટી ઉપાડીને ખાડા બુર્યા સિવાય કાંઇ કર્યુ નથી. એવી ફરીયાદો ઉઠાવા પામી છે. જો કે વન વિસ્તારમાં પરિક્રમાં યોજાતી હોવાથી વન તંત્ર દ્વારા પુરતા પ્રમાણમાં સ્ટાફ તૈનાત કર્યો છે. અને હિંસક, રાજા પશુઓને પરિક્રમા રૂટથી દુર કરાયા છે.

રિલેટેડ ન્યૂઝ