મહારાષ્ટ્રમાં રાજકીય અટકળોની આંધી

મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવી
શરદ પવાર મુંબઇ દોડી આવતાં
ભારે હલચલ
રાજયના તમામ પ્રધાનોના કર્મચારી-અધિકારીઓને પોત-પોતાનાં ખાતાં સંભાળી લેવાના આદેશથી અચરજ
ફડણવીસ આજે કાર્યકાળ પૂરો થતાં રાજીનામું આપે તેવી શક્યતા

મુંબઇ: રાજ્યની વર્તમાન સરકારનો કાર્યકાળ આજે પૂરો થાય છે અને હજુ સુધી નવી સરકારની કોઈ સંભાવનાઓ સામે આવી નથી ત્યારે આજનો દિવસ રાજકીય ગતિવિધિઓથી ભરપૂર હશે તેમ માનવામાં આવે છે. ભાજપે રાજ્યપાલને મળ્યા બાદ પણ સરકાર સ્થાપવાનો દાવો કર્યો નથી અને બીજી તરફ શિવસેનાએ વાતચીતની કોઈ પહેલ બતાવી ન હોવાથી યુતિની સરકાર અંગેની અસમંજસ કાયમ રહી હતી. આ દરમિયાન એનસીપીના વડા શરદ પવારે પોતાનો મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવી મુંબઈ ભણી દોટ મૂકતા સૌની ભવાં ઊંચા થઈ

ગયા હતા. પવારે બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો પક્ષ વિરોધપક્ષમાં બેસવા માગે છે. તેઓ ગુરુવારે કરાડ ખાતે લીલા દુષ્કાળથી અસરગ્રસ્ત ખેડૂતોને મળ્યા હતા અને તે બાદ તેઓ કોંકણ જવાના હતા, પરંતુ તેમનો નિર્ધારિત કાર્યક્રમ પડતો મૂકી તેઓ મુંબઈ આવ્યા હતા. આ સાથે ગુરુવાર સવારથી ભાજપ સત્તા માટે 145નો આંકડો મેળવવા અન્ય પક્ષના વિધાનસભ્યોને ફોન કરી ફોડવાની કોશિશ કરી રહી હોવાના અહેવાલોએ જોર પકડ્યું હતું. આજે રાજ્યપાલ શું સૂચવે છે, તેના પરથી ચિત્ર નક્કી થશે. મુંબઇના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે કાર્યકાળ પૂરો થતાં રાજીનામું આપે તેવી શક્યતા છે.
આજે વર્તમાન સરકારનો કાર્યકાળ પૂરો થતો હોવાથી રાજ્યના તમામ પ્રધાનોના કર્મચારીઓ અને અધિકારીઓને પોતાના મૂળ ખાતામાં જવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સામાન્ય પ્રશાસન વિભાગે આપેલા આ આદેશમાં દસ નવેમ્બર સુધીની મુદ્ત આપવામાં આવી છે. આ એક સરકારી પ્રક્રિયા હોવાનું જાણવા મળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ