મોટાભાગનું અયોધ્યા સૈન્યના હવાલે

અર્ધલશ્કરી દળના વધારાના 4000 જવાનો તહેનાત કરવામાં આવ્યા
નવીદિલ્હી તા,8
17મી નવેમ્બર અગાઉ કોઇ પણ દિવસે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદનો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે તે ધ્યાનમાં રાખીને સરકારે તકેદારીના તમામ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુરુવારે તમામ રાજ્યો

અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી મોકલી છે જેમાં તેમને તમામ સંવેદનશીલ સ્થળો પર પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યા છે. ઉશ્કેરણીજનક ટિપ્પણી અથવા અફવા ફેલાવવા સામે જાગૃત રહેવા રાજકીય નેતાઓ જાહેર અપીલ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં અર્ધલશ્કરી દળોના ચાર હજાર જવાનોને મોકલી આપવામાં આવ્યા છે. રેલવે દ્વારા તેમના દળના જવાનોની રજાઓ રદ કરવામાં આવી છે. 78 મોટા સ્ટેશન પર અને ટ્રેનોમાં નજર રાખવાની અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.
વડા પ્રધાન મોદીએ બુધવારે તેમના પ્રધાન મંડળ સાથે અયોધ્યા મુદ્દે ચર્ચા કરી હતી અને આ વિષયે બિનજરૂરી નિવેદન કરવાથી દૂર રહેવા અને દેશમાં શાતિ અને સૌહાર્દનું વાતાવરણ જાળવી રાખવા જણાવ્યું હતું. આગામી સપ્તાહમાં કાર્તિક પૂર્ણિમા નિમિત્તે શ્રદ્ધાળુઓનો ધસારો અયોધ્યામાં આવશે તે ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટી તંત્રે પણ સુરક્ષા તૈયારી કરવા માંડી છે. કાર્તિક પૂર્ણિમા સ્નાનનો લાભ લેવા લાખો શ્રદ્ધાળુ બારમી નવેમ્બરના મંગળવારે ભેગા થશે તેમ માનવામાં આવે છે. રેલવેએ તમામ ઝોનને સાત પાનાની માર્ગદર્શિકા મોકલી છે જેમાં સુરક્ષા વ્યવસ્થા અંગેની વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે. પ્લેટફોર્મ, રેલવે સ્ટેશન, યાર્ડ, પાર્કિંગ સ્થળ, પૂલો અને ટનલમાં તથા વર્કશોપ વિગેરે દરેક સ્થળે સુરક્ષાના નિર્દેશો આપવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન નજીક અથવા તેના કંપાઉન્ડમાં આવેલા તમામ ધર્મસ્થાનો પર ચાંપતી નજર રાખવા કહેવામાં આવ્યું છે. મુંબઇ, દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 78 મોટા સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જ્યાં આરપીએફ જવાનોની હાજરી વધારવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ