GST-અતિવૃષ્ટિથી ગુજરાતના ફટાકડાના ઊદ્યોગના સૂરસૂરિયા

18% જીએસટીની કળ વળી નહોતી ત્યાં થઇ અતિવૃષ્ટિ: ઉત્પાદનમાં 50%નો ઘટાડો
અમદાવાદ તા.21
લંબાઈ ગયેલા વરસાદ અને 18 ટકા જીએસટીને કારણે અમદાવાદમાં ફટાકડાના ઉત્પાદન પર સીધી અસર પડી છે. અમદાવાદની બહારના વિસ્તારોમાં લગભગ ડઝન જેટલા યુનિટ ફટાકડાનું ઉત્પાદન કરે છે. તે મુખ્યત્વે 555 બોંબ, મિર્ચી બોંબ અને કોઠીનું ઉત્પાદન કરે છે.
અમદાવાદ અને ગુજરાતના માર્કેટમાં તેમના ફટાકડા જાય છે. આ યુનિટો પૂર્વ અમદાવાદના વાંચ ગામમાં આવેલા છે. ફટાકડાના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો કહે છે કે ડઝન જેટલી ફેક્ટરીઓનું ટર્ન ઓવર 60 લાખ રૂપિયા જેટલું છે. પરંતુ આ વર્ષે ટર્ન ઓવર ઘટીને 30થી 35 લાખ રૂપિયા થવાની શક્યતા છે. એક અગ્રણી ફટાકડા ઉત્પાદક નદીમ બાગબાન જણાવે છે, ઉત્પાદનમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે. મુખ્ય કારણ એ છે કે ચોમાસુ હજુ લંબાયું છે અને ફટાકડા પર જીએસટી 18 ટકા છે.
તેમણે કહ્યું કે ફટાકડા બનાવવાનું કામ દિવાળીના લગભગ છ મહિના પહેલા ચાલુ થઈ જાય છે. આ વખતે ચોમાસાને કારણે કાચો માલ પલળી ગયો જેને કારણે તે નકામો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા થોડા મહિનાથી મંદીના ભણકારા વાગી રહ્યા છે. દેશનો જીડીપી દર

પણ ઘટ્યો છે. આવામાં આ મહિને ગ્રાહકો ફટાકડા ખરીદવા કેટલો ઉત્સાહ દાખવે છે તે પણ જોવાનું રહેશે. આ ઉપરાંત છેલ્લા થોડા વર્ષોથી ચાઈનીઝ ફટાકડા પણ ભારતીય ફટાકડાનું માર્કેટ ખાઈ રહ્યા છે. આવામાં ફટાકડા ઉત્પાદકોને ટકી રહેવા સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ વર્ષે લંબાયેલા ચોમાસા અને જીએસટીએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ