60 હજાર નળજોડાણના વેરા પેટે 64 કરોડની ઉઘરાણી

વોટર વર્કસ અને વેરા વિભાગમાં સંકલનનો અભાવ

રાજકોટ તા.9
રાજકોટ મહાનગરપાલીકાના વેરા વિભાગ દ્વારા હાલ બાકીદારોને વેરા બીલ પહોંચતું કર્યા બાદ ડીમાન્ડ નોટીસ આપવાનો પ્રારંભ કર્યો છે ત્યારે અગાઉ અલગથી પાણીવેરા બીલ આવતું હોય તે પ્રકારના 2005 થી બાકી રહેલા 60 હજારથી વધુ નળજોડાણોના બીલની ઉઘરાણી માટે તખ્તો તૈયાર કર્યો છે. અંદાજે રૂા.64 કરોડથી વધુ લેણુ બાકી હોય વોટર વર્કસ વિભાગ સાથે લીંકઅપ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
વેરા વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ નળજોડાણનું અલગથી વેરા બીલ આપવામાં આવતું હતું. 2005 દરમ્યાન 60 હજારથી વધુ નળજોડાણોનો વેરો અલગથી ભરપાઇ થતો હતો પરંતુ કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતિ અમલમાં આવ્યા બાદ સર્વેની કામગીરી દરમ્યાન મિલ્કતધારકો દ્વારા નળજોડાણનો ઉલ્લેખ ન કરવામાં આવ્યો હોય તેવી તમામ મિલ્કતોના વેરા બીલમાં નળ વેરાનો સમાવેશ થયો નથી અને આજ સુધી આ પ્રકારના 60 હજારથી વધુ મિલ્કતધારકોનો નળ વેરો આજ સુધી બાકી રહી ગયો છે.
શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ સહિત 60 હજારથી વધુ મિલ્કતોમાં અલગથી પાણી વેરા બીલ આપવામાં આવ્યા છે ત્યારે અનેક આસામીઓએ વેરા બીલ આવ્યા બાદ ફાડી નાખ્યા હોય તેવો બનાવ સામે આવ્યા છે. કારણ કે ઉપરોકત તમામ નળજોડાણોની માહિતી વોટર વર્કસ વિભાગ પાસે હોવાથી આ બાબતની જાણકારી વેરા વિભાગને આજ સુધી મળી નથી તેમજ વોટર વર્કસ વિભાગ દ્વારા આજ સુધી નળજોડાણનો સર્વે કરવામાં નથી આવ્યો પરીણામે વેરા બીલમાં લીંકઅપ થઇ શકયું નથી.
અમુક લાભાર્થીઓ દ્વારા નળજોડાણનું બીલ તેમજ તેને લગતી તમામ વિગતો વેરા બીલને આપી છે પરીણામે આ પ્રકારના હજારો મિલ્કત ધારકોની નળજોડાણની માહિતી વેરા બીલમાં આવી જતા નળ વેરો ભરપાઇ થઇ ચૂકયો છે.
વોટર વર્કસ વિભાગ દ્વારા કામગીરીમાં લોટ પાણી ને લાકડા થઇ રહ્યાના અગાઉ પણ આક્ષેપો થઇ ચૂકયા છે ત્યારે 60 કરોડ જેવી મોટી રકમ બાકી હોવા છતાં વોટર વર્કસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ પણ આજ સુધી નળજોડાણની સંપૂર્ણ વિગત વેરા વિભાગને આપવાની તસ્દી લીધી નથી. આથી આગામી દિવસોમાં વેરા વિભાગ દ્વારા વોટર વર્કસ વિભાગ સાથે મીટીંગ યોજી તમામ નળજોડાણના ડેટા મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ બાકી રહેલા 60 હજારથી વધુ નળ જોડાણોના વેરાની રકમ નવા વેરા બીલમાં ઉધારી તમામ આસામીઓને બીલ આપવામાં આવશે પરંતુ 2005 થી આજ સુધી એટલે કે 13 વર્ષ સુધી આ બાબતે કોઇ કાર્યવાહી ન થતા અનેક આસામીઓએ કાર્પેટ એરીયા આધારીત સર્વેની કામગીરીમાં ચાલુ વર્ષનું નળજોડાણ દર્શાવી આગળના નળ બીલમાં લાખો રૂપિયા ભરવામાંથી છટકબારી શોધી છે. જેના કારણે મનપાને કરોડો રૂપિયાની નુકસાની વેઠવી પડી છે.

રિલેટેડ ન્યૂઝ