નવરાત્રિ પૂરી, ‘પીવ-રાત્રિ’ શરુ

રાજકોટ તા,9
રાજકોટમાં નવરાત્રી દરમિયાન પણ અનેક પીધેલા પકડાયા હતા ત્યારે નવરાત્રી પુરી થયા બાદ ફરીથી મેદાનમાં ઉતરેલા બુટલેગરો ઉપર પોલીસે ઘોસ ખોલાવવાનું ચાલુ કર્યું છે. ક્રાઈમ બ્રાંચે રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાંથી 3204 બોટલ દારુ પકડયા બાદ આ એક જ બુટલેગરનો 900 બોટલ દારુ આજીડેમે ઝડપી પાડ્યો હતો. કુલ 21 લાખની મતા પોલીસે કબ્જે કરી હતી.
રાજકોટમાં નવરાત્રી પૂર્ણ થયા બાદ બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર અગ્રવાલ, ડીસીપી સૈની, ડીસીપી જાડેજા, એસીપી સરવૈયાની સુચનાથી ડીસીબી પીઆઈએચએમ ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન મહિપાલસિંહ, ચેતનસિંહ ગોહીલ અને વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કુવાડવા રોડ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં બેટરીના ગોડાઉન પાસે ખુલ્લા પ્લોટમાં દરોડા પાડી નવાગામના ભુપત કોળીએ ઉતારેલો દારુનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. ડીસીબીની ટીમે જુદી જુદી બ્રાન્ડનો 3204 બોટલ એટલે કે 267 પેટી દારુ જેથી કિંમત 10,75,200 થાય છે તે કબ્જે કરી ભુપત કોળી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
આ કામગીરીમાં પીએસઆઈ એસ.બી.પટેલ, રાજદિપસિંહ ચેતનસિંહ ચુડાસમા, હિરેન્દ્રસીંહ સહિતનાઓ જોડાયા હતા.
આ ઉપરાંત આજીડેમ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ.જે.રાઠોડ અને ટીમે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે પીકઅપ વાન અટકાવવા ઈશારો કરતા ચાલકે ગાડી ભગાડી દીધી હતી. જે અંધારામાં મુકીને ભાગી ગયો હતો. પોલીસે બોલેરો વાન ચેક કરતા તેમાંથી 900 બોટલ દારુ મળી આવ્યો હતો. આ જથ્થો પણ ડીસીબીએ પકડેલ ભુપત કોળીનો હોવાનું ખુલતા તેના વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બુટલેગરને ઝડપી પાડવા દોડધામ શરુ કરી છે.

રિલેટેડ ન્યૂઝ