કોઠારિયા, માધાપર, રતનપરમાં કરોડો રૂપિયાની સરકારી જમીન ખાલસા

કોઠારિયામાં બે કારખાનેદાર સહિત સાત પ્લોટની 2500 ચો.મી. જમીનનો કબજો લેવા મામલતદારને આદેશ
રતનપર અને માધાપરની કિંમતી 17 એકર જમીનના ત્રણ ખેડૂતના દાવા ફગાવાયા
રાજકોટ તા,9
રાજકોટ સહિત આસપાસના ગામડાઓમાં આવેલ કરોડો રૂપિયાની કિંમતી જમીન દબાવી માલિકીહકકનો દાવો કરનાર 10 જેટલા આસામીઓ જમીન સરકારી હોવાનો ચુકાદો આપી તમામ જમીનનો કબજો તાત્કાલીક મામલતદારને લઈ લેવાનો હુકમ રાજકોટ શહેર-2 પ્રાંત કચેરીના પ્રાંત અધિકારીએ આપ્યો છે.
વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા, માધાપર, રતનપરમાં આવેલી સરકારી જમીનમાં લગભગ 30થી 40 વર્ષથી દબાણ કરી સરકારી જમીનને પોતાની ગણી લેવાની ભૂમાફિયાઓની પેરવી ઉપર પ્રાંત અધિકારીએ પાણીઢોળ કરી નાખ્યું છે અને કોઠારિયાના 7 પ્લોટની 2495.34 ચો.મી. અને રતનપર અને માધાપરની 17.8 એકર જમીન ખાલસા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
શહેરના કોઠારિયા રોડ ઉપર આવેલા અઘાટમાં કરોડો રૂપિયાની કિમતી જમીનમાં કારખાનેદાર સહિતના લોકોએ સરકારી જમીન ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો. બાદમાં આ જમીનમાં પોતે માલિક હોય તેવો દાવો પ્રાંત અધિકારી સમક્ષ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી દ્વારા જમીનના રેકર્ડની ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન આ જમીન સરકારી હોવાનું ખુલાસો થયો હતો. કોઠારિયાના સર્વે નં.352માં બે કારખાના સહિત 7 આસામીઓએ પ્લોટીંગ પાડી જમીન ઉપર કબજો જમાવી દીધો હતો તેમાં 340 ચો.મી. જગ્યામાં અલગ-અલગ બે ઈન્ડસ્ટ્રીઝ તેમજ 153 ચો.મી., 163 ચો.મી., 418 ચો.મી., 878 ચો.મી. જમીન મળી કુલ 2495.34 ચો.મી. જમીનમાં દબાણ કર્યું હતું. અત્યારે બજાર કિંમત પ્રમાણે આ સાતેય પ્લોટની કિંમત કરોડો રૂપિયા આસપાસ થવા જાય છે.
પ્રાંત અધિકારી દ્વારા સરકારના હિતને ધ્યાનમાં લઈ સાતેય પ્લોટની જમીન સરકારી હોવાનું ઠેરવી તાત્કાલીક મામલતદારને જમીનનો કબ્જો લેવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત માધાપર અને રતનપરની સરકારી જમીનમાં પણ ગેરકાયદેસર ખેડૂતોએ કબજો જમાવી લીધો હતો અને સરકારી જમીન માલિકીની હોવાનું દાવો કર્યો હતો. રતનપરની સર્વે નં.83/1ની 9.33 એકર જમીન અને માધાપર સર્વે નં.31ની 5.26 એકર તેમજ માધાપર સર્વે નં.44ની 3.21 એકર જમીનના આધારપુરાવાની ચકાસણી કરવામાં આવતા આ જમીન સરકારી હોવાનું માલુમ પડ્યું હતું. આથી ત્રણેય ખેતીની જમીન સરકારી ગણી ખાલસા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં જમીનના ભાવ કરોડોની આસપાસ બોલાય રહ્યા છ ત્યારે ભૂમાફિયા દ્વારા જમીન પચાવવા માટે અવનવા પેતરા કરવામાં આવે છે અને જમીન પોતાની હોવાના દાવા સાથે પેશકદમી કરી લેવામાં આવે છે. આવા તત્ત્વો ઉપર લગામ મુકતા ચુકાદા આજે પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવ્યા છે એક સાથે 10 જેટલા જમીનના કિસ્સામાં ખાનગી માલિકીના હકક ફગાવી દેવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ