મુકેશ અંબાણીના અધધ કર્જનો રાષ્ટ્રીય ખતરો

છેલ્લા 4 વર્ષમાં મુકેશ અંબાણી હસ્તકના રિલાયન્સ ગ્રૂપનું દેવું
રૂપિયા 4.60 લાખ કરોડે પહોંચ્યું
વિશ્ર્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરને ‘ડાઉનગ્રેડ’ કરતાં ‘ભૂકંપ’
મુંબઇ તા.9
વિશ્ર્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રેડિટ સુઈસ દ્વારા ઓગસ્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરને ન્યૂટ્રલથી નીચલા ગ્રેડમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યા. તેનાં શેરનો ટાર્ગેટ પ્રાઈસ રૂા.1395થી ઘટાડીને રૂા.995 કરવામાં આવ્યો. આરઆઇએલનાં રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસની નબળી કામગીરી અને તેનાં જંગી દેવાને કારણે ક્રેડિટ સુઈસે તેનું રેટિંગ ઘટાડયું હતું. છેલ્લા ચાર વર્ષમાં મુકેશ અંબાણી હસ્તક રિલાયન્સ ગ્રૂપનું દેવું 19 અબજ ડોલરથી વધીને અધધ 65 અબજ ડોલર થઈ ગયું છે. કંપનીએ ક્રૂડના બિઝનેસમાં જ 10 અબજ ડોલરની ચુકવણી

કરવાની છે. આટલા જંગી દેવાના બોજ પછી પડે ત્યારે સઘળું પડે છે તેવી સ્થિતિ સર્જાય તો કંપની માટે આર્થિક કટોકટીમાંથી બહાર નીકળવાનાં સાધનો અને ઉપાયો છે કે કેમ તે પણ મુંઝવનારો પ્રશ્ન છે. ક્રૂડ બિઝનેસ પ્રવાહી છે અને વિશ્વનાં પ્રવાહો પર આધારિત છે. જિયોનો બિઝનેસ જંગી રોકાણ માગી લેનારો છે. દેશમાં મંદી ડોકાઈ રહી છે ત્યારે આ બધો ખેલ કંપનીને આર્થિક રીતે કેટલી સદ્ધર રાખશે તે પેચીદો પ્રશ્ન છે.
ક્રેડિટ રેટિંગ એજન્સી મુજબ, કંપનીની ક્રૂડ બિઝનેસનાં પેમેન્ટની સાઈકલ પણ સામાન્ય કરતા ઘણી વધારે છે. સામાન્ય રીતે ક્રૂડ બિઝનેસમાં પેમેન્ટની મુદત 50થી 60 દિવસની હોય છે પણ આરઆઇએલ દ્વારા 2019માં તેનો ગાળો 121 દિવસનો છે. રિફાઈનિંગ માર્જિનનું પ્રેશર 2020-21માં ઘણું ઉંચું રહેવાની ધારણા છે. છેલ્લા 6 વર્ષથી ફ્રી કેશ ફ્લો પણ નેગેટિવ રહ્યો છે. શેરદીઠ કમાણીમાં 2021-22માં 5 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.
આરઆઇએલ દ્વારા ટેલિકોમ ક્ષેત્રે પ્રભુત્વ જમાવવા જિયોમાં જંગી રોકાણ કરાયું છે. જિયોની આવક પહેલા ક્વાર્ટરમાં ભલે વધીને રૂ. 14910 કરોડ થઈ હોય અને નફો 80 ટકા વધીને રૂ. 3080 કરોડ થયો હોય પણ યૂઝરદીઠ રોકેલી મૂડી રૂ. 7445 છે જ્યારે તેનાં પરનું વળતર ફક્ત 3 ટકા જ છે. જિયોની યૂઝરદીઠ આવકમાં જંગી ઘટાડો થયો છે. આમ જિયો પર રમેલો જુગાર કંપનીને વહેલો મોડો મોંઘો પડી શકે છે.
મુકેશ અંબાણીએ એજીએમમાં કહ્યું હતું કે, કંપની પર ચાલુ નાણાકીય વર્ષનાં અંતે કંપની પર રૂ. 1,54,478 કરોડનું દેવું હતું . સાઉદી અરામ્કોને 20 ટકા અને બ્રિટિશ કોર્પોરેશનને કેટલોક ઈક્વિટી હિસ્સો વેચ્યા પછી કંપની પાસે રૂ. 1. 10 લાખ કરોડ આવશે. કંપની હવે દેવું ઘટાડવા સંઘર્ષ કરી રહી છે. તેનું દેવું માર્ચ 2019નાં અંતે રૂ. 2.88 લાખ કરોડ હતું જેમાં રૂ. 1.33 કરોડ હાથ પર રોકડ હતી જ્યારે નેટ દેવું રૂ. 1.55 લાખ કરોડ હતું.

જંગી દેવાની અસર શેરના ભાવ પર
જંગી દેવાને કારણે 1 મેથી 9 ઓગસ્ટ વચ્ચે આરઆઇએલનાં શેરના ભાવમાં 16.6 ટકાનો ઘટાડો થયો હતો અને તે ઘટીને રૂ. 1,162.10 થયો હતો. કંપનીનાં દેવામાં વધારો થવા માટે જિયોમાં મોટાપાયે રોકાણ પર ટોપલો ઢોળવામાં આવે છે. કંપનીએ 2019માં રૂ. 1.1 ટ્રિલિયનનું દેવું બે અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ટ્રાન્સફર કર્યું હતું. આ પછી પણ તેની દેવાની ચોખ્ખી જવાબદારી રૂ. 3.63 ટ્રિલિયન છે. આમાં જિયોનું નેટ દેવું રૂ. 2.1 ટ્રિલિયન છે. જિયોનો મૂડી ખર્ચ 2019નાં નાણાકીય વર્ષમાં રૂ. 67,000 કરોડ હતો. જ્યારે તેની આવક તેટલી નથી.

રિલેટેડ ન્યૂઝ