સોલારની ‘બોણી’ નબળી : માત્ર 40 મેગાવોટની નોંધણી

સોલાર એજન્સીઓને સબસિડીના 118 કરોડ ચૂકવવામાં ગુજરાત સરકારે હાથ ઊંચા કરી લીધા
રાજકોટ તા.9
રાજ્ય સરકારે તાજેતરમાં અમલમાં મુકેલી નવી સોલાર નીતિને નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. અગાઉ સોલાર માટે એજન્સીઓને સબસીડી નહી ચૂકવતા કેન્દ્ર સરકારે ગુજરાતમાં 500 મેગાવોટ સોલારનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે પરંતુ જુના હિસાબ કિતાબના પૈસા નહી ચૂકવતા નવી સોલાર નીતિમાં એજન્સીઓએ પણ હાથ ઉંચા કરી દીધા છે.
રાજ્ય સરકારે મોટા ઉપાડે સોલાર નીતિ તો જાહેર કરી દીધી છે પણ અગાઉની સબસીડીના મુદ્દે હવે સરકાર અને સોલાર એજન્સી વચ્ચે ખટરાગ શરૂ થયો છે. મહત્વની વાત તો એ છે કે મોદી સરકારે ઘણા લાંબા સમય બાદ પણ રૂા.118 કરોડ બાકી સબસીડી ચૂકવી નથી જેના પગલે હવે રાજ્ય સરકાર પણ મુંઝવણમાં મુકાઇ છે. પરીસ્થિતિ એવી સર્જાઇ છે કે, નાના ઉત્પાદકોનું તો ઉત્પાદન જ ઠપ્પ થયું છે જેના કારણે તેમની તો દિવાળી બગડી છે.
ગુજરાતમાં સોલાર ઉર્જાનો વપરાશ વધે તે દિશામાં સરકાર પ્રયત્નશીલ બની છે. ઉર્જા વિભાગે સોલાર નીતિ જાહેર કરી સોલાર એજન્સીઓને કામે લગાડી દીધી છે પણ સોલાર એજન્સીને બાકીની સબસીડી હજુય ચૂકવાઇ નથી જેના કારણે નવી અરજીઓ પર કામ થઇ શકયું નથી. ગત વખતની રૂા.118 કરોડની સબસીડી બાકી હોવા છતાંય રાજ્ય સરકાર કેન્દ્ર પાસે ઉઘરાણી કરવા તૈયાર નથી.
સૂત્રો કહે છે કે, કેન્દ્ર સરકારે ઠેંગો દેખાડતા હવે અત્યારે બાકી સબસીડી કોણ ચૂકવે એ પેચીદો પ્રશ્ર્ન બન્યો છે. ખુદ ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ આ વાતનો સ્વીકાર કરી ચૂકયા છે. હવે સોલાર એજન્સીનું કહેવું છે કે, બાકી સબસીડી ચૂકવાય તો નાના ઉત્પાદકોનું કામ આગળ ધપી શકે તેમ છે, અત્યારે તો આર્થિક મંદીના દોરમાં નાના ઉત્પાદકો માટે તો ગળેટુંપો આવ્યો હોય તેવી દશા થઇ છે. સોલાર નીતિ જાહેર કર્યા બાદ નવી અરજીઓ આવી હોવા છતાંય સોલાર એજન્સીઓ રૂફટોપ પેનલ ઇન્સ્ટોલેશન કરવા રાજી નથી. ઉત્પાદકોનું કહેવું છે કે, સબસીડીના મુદ્દે સરકાર અને સોલાર એજન્સીઓ વચ્ચે ખટરાગ વધતા અત્યાર સુધી માત્ર 40 મેગાવોટનું જ રજીસ્ટ્રેશન થઇ ચૂકયું છે. એક બાજુ, મેઇક ઇન ઇન્ડીયાની વાતો કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ સોલાર ઉત્પાદકોએ આ વ્યવસાયમાં ઝંપલાવ્યું છે ત્યારે ઉર્જા વિભાગે કુવામાં ઉતારીને દોરડુ કાપી લીધા જેવો ઘાટ ઘડયો છે. રાજ્ય ઉર્જા વિભાગ પણ કેન્દ્ર પાસે કરોડોની બાકી સબસીડીની ઉઘરાણી કરી શકે તેમ નથી. કેન્દ્ર સરકારે તો મોટા ઉપાડે સબસીડીની જાહેરાત કરી દીધી હતી પણ આજે બે વર્ષ થયા આ વાત ભુલાઇ ગઇ છે. આ જોતાં રૂપાણી સરકારને જ સબસીડી ચૂકવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે, જો આ મામલે નિરાકરણ નહીં આવે તો સોલાર નીતિનો ફિયાસ્કો થઇ
શકે છે.

રિલેટેડ ન્યૂઝ