‘લોકડાઉન’નો વિકલ્પ ખુલ્લો છે; કાલે PM આપશે નિર્દેશ

મીની-લોકડાઉન, વીકેન્ડ, કર્ફ્યૂ કે 5 દિવસનું સળંગ-સજ્જડ બંધ રાખવું તે અંગે ગુજરાત સરકાર વિચારી રહી છે

કોરોના નામના જીવલેણ અદ્રશ્ય વાયરસે ગયા વર્ષથી ઉપાડો લેવાનુ શરૂ કર્યુ છે તે હજુ શાંત પડયો નથી. ગુજરાત સહિત દેશભરમાં કોરોના નામનો રાક્ષસ તાંડવ મચાવી રહ્યો છે અને રોજેરોજ કેસ અને મોતના આંકડા રેકોર્ડ સર્જી રહ્યા છે ત્યારે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશના પગલે સરકારે ત્વરીત ગઈકાલે રાત્રે જ 20 શહેરોમાં રાત્રીના 8થી સવારના 6 સુધીનો કર્ફયુ અમલી બનાવ્યા બાદ હવે લોકડાઉન ફરી લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. લોકડાઉન કે વીકએન્ડ કર્ફયુ મર્યાદિત રાખવુ કે પછી કે પછી એ પાંચ દિવસનું રાખવુ તે બાબતની સરકારમાં જોરશોરથી સમીક્ષા થઈ રહી છે ત્યારે ગુજરાતની પ્રજામાં પણ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે લોકડાઉન કયારે લાગુ થશે અને તે કેટલુ હશે ? સરકાર લોકડાઉનના જમા અને ઉધાર પાસાની હાલ સમિક્ષા કરી રહી છે અને આવતીકાલે વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ રાજ્ય સરકાર લોકડાઉન અંગે નિર્ણય લ્યે તેવી શકયતા છે.
ગુજરાતમાં કોરોના આઉટ ઓફ
કંટ્રોલ હોવાનુ માની ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે સરકારને કોરોના વાયરસને કાબુમાં લેવા વિવિધ નિર્દેશો આપ્યા હતા જેને પગલે સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ હતી અને ધડાધડ પગલાઓ જાહેર કર્યા હતા. 20 જેટલા શહેરોમાં નાઈટ કર્ફયુનો અમલ આજથી કરાવવાનુ જાહેર થયુ હતુ એટલુ જ નહિ લગ્નો અને જાહેર સમારોહમાં સંખ્યાઓ નિયંત્રીત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને લોકડાઉનનો અમલ કરવા પણ નિર્દેશ આપ્યો હતો જે પછી સરકાર આ બાબતે વિચાર કરી રહી છે.

લોકડાઉન વિશે અપ્-ડાઉન
લોકડાઉન મામલે સરકારમાં એક મત એવો છે કે લોકડાઉન શનિ-રવિ પુરતુ મર્યાદીત રાખવું. શનિવારે બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓ અને બેન્કો બંધ રહેવાની છે તેથી જો આ બે દિવસ અમલી બનાવાય તો લોકોને હાડમારીનો સામનો કરવો ન પડે. જ્યારે એક મત એવો પણ છે કે લોકડાઉન શનિવારથી શરૂ કરી બુધવાર સુધી એટલે કે પાંચ દિવસ અમલી બનાવવું. આ પાંચ દિવસના તર્ક પાછળ ચાર દિવસની જાહેર રજા આવી જાય છે. શનિવારે 10મી તારીખ છે અને તે બીજો શનિવાર છે. રવિવાર 11 તારીખની રજા છે. સોમવારે 12 તારીખ છે અને કામકાજનો દિવસ છે, જ્યારે 13મીને મંગળવારે ચેટીચાંદની જાહેર રજા છે અને 14મીએ ડો. આંબેડકર જયંતિની જાહેર રજા છે. આમ જો 10થી 14 સુધીનું લોકડાઉન રાખવામાં આવે તો કામકાજનો દિવસ માત્ર સોમવારનો રહે છે બાકીના ચાર દિવસની રજા આવી રહી છે. જો કે આવતીકાલે કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા છે.
કોરોનાના વધતા કેસો વચ્ચે વડાપ્રધાન મોદી આવતીકાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાના છે. આ બેઠકમા તેઓએવા 11 રાજ્યો જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, હરીયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્યપ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે અને ત્યાં પાંચ દિવસનું લોકડાઉન અમલી બનાવવુ
કે નહિ ? તે બાબતે ચર્ચા-વિચારણા કરશે. જો શનિવારથી પાંચ દિવસનું લોકડાઉન લદાય તો રાજ્યોમાં કોરોનાનો ચેપ ફેલાતો રોકવામા મોટી મદદ મળશે તેવો અભિપ્રાય આરોગ્યના નિષ્ણાંતોએ આપ્યો છે. વડાપ્રધાન પણ આ બાબતે સહમત છે તેથી જો મુખ્યમંત્રીઓ સહમત થશે તો પાંચ દિવસનું લોકડાઉન જાહેર થશે. એવુ કહેવાય છે કે ગઈકાલે આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને 11 રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી તેમા જ તેમણે પાંચ દિવસના લોકડાઉન માટે તૈયાર રહેવા જણાવ્યુ હતુ.

કોરોનામાં રેકોર્ડ તોડ વધારો 24 કલાકમાં 1.15 લાખ કેસ
કોરોના જે ઝડપથી દેશમાં વકરી રહ્યો છે તે જોતા સ્થિતિ હવે કાબૂ બહાર લાગી રહી છે. કેન્દ્ર સરકાર માટે કોરોનાના કેસોમાં જોવા મળી રહેલો ભયંકર વધારો મોટો પડકાર બન્યો છે. કોરોનાએ આજે તો દેશમાં તમામ રેકોર્ડ તોડ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,15,736 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,28,01,785 પર પહોંચી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1,15,736 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,28,01,785 પર પહોંચી છે. જેમાંથી 1,17,92,135 લોકો રિકવર થયા છે. જ્યારે 8,43,473 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ભારત હવે એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ચોથો સૌથી મોટો દેશ બની ગયો છે. એક વિશ્લેષણ મુજબ કોવિડ-19ની બીજી લહેર પહેલી લહેર કરતા વધુ ઘાતક સાબિત થઈ રહી છે. દેશમાં એક જ દિવસમાં 630 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,66,177 પર પહોંચ્યો છે. આ બધા વચ્ચે હાલ દેશમાં રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે. જે હેઠળ અત્યાર સુધીમાં કુલ 8,70,77,474 લોકોને રસી આપવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને મંગળવારે એ 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યાં કોરોનાના કેસમાં પૂરપાટ ઝડપે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે કોવિડ-19ના નવા કેસમાં અચાનક વૃદ્ધિ થવાના કારણોની પણ જાણકારી આપી.

રિલેટેડ ન્યૂઝ