રાજનીતિને અપરાધમુક્ત અમે’ય કરી નહીં શકીએ: સુપ્રીમ કોર્ટ

સંસદ કે વિધાનસભા પણ કયારેય આવું નહીં કરે તેવો પાક્કો વિશ્ર્વાસ છે: સર્વોચ્ચ અદાલત

સુપ્રિમ કોર્ટે જણાવ્યુ છે કે અમને પાક્કો વિશ્વાસ છે કે સંસદ કે વિધાનસભા કદી રાજનીતિમાંથી અપરાધીકરણને મુકત નહી કરે. અમને એ બાબતનો પણ વિશ્વાસ છે કે નજીકના ભવિષ્યમાં નહિ પરંતુ ભવિષ્યમાં કદી તે આવુ નહિ કરે. સુપ્રિમ કોર્ટે એ બાબત પર અફસોસ વ્યકત કર્યો હતો કે કોઈપણ પક્ષને ન તો રાજનીતિમાંથી અપરાધને મુકત કરવા માટે કાનૂન બનાવવામાં અને ન તો એવા ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવામાં રસ છે જેમની વિરૂદ્ધ ગંભીર ગુનાઓમાં અદાલતોએ આરોપો નક્કી કર્યા છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે આ મામલામાં બધા રાજકીય પક્ષોમાં વિવિધતામાં એકતા છે. અફસોસની વાત એ છે કે અમે કાનૂન બનાવી નથી શકતા, અમે રાજકીય પક્ષોને સતત કહીએ છીએ કે જે ઉમેદવારો વિરૂદ્ધ આરોપો ઘડવામાં આવ્યા હોય તેઓની સામે કાર્યવાહી કરે. જસ્ટીશ આર.એફ. નરીમન અને જસ્ટીશ બી આર. ગવઈની ખંડપીઠે કહ્યુ હતુ કે સરકારની કાનૂની પાખ કાયદો લાવવા માટે કોઈ પગલા લેવામાં રસ ધરાવતી નથી. જો કે અત્યાર સુધી કશું કરવામાં આવ્યું નથી અને કોઈપણ પક્ષ દ્વારા કદી પણ કશું કરવામાં નહિ આવે. સુપ્રિમ કોર્ટે અનાદરના આ મામલામાં ભાજપ, કોંગ્રેસ, બસપા, લૌજપા, માકપા અને રાકપા સહિત વિવિધ પક્ષોના વકીલોને સાભળ્યા હતા. સુપ્રિમ કોર્ટે આ મામલામાં આદેશ આપવા માટે પોતાનો ફેંસલો અનામત રાખ્યો હતો.
ખંડપીઠ વકીલ બ્રિજેશસિંહ દ્વારા દાખલ કરવામાં આવેલ અનાદર અરજીની સુનાવણી કરતી હતી, જેમાં 2020માં બિહારની ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીયપક્ષો દ્વારા ફેબ્રુઆરી 2020મા સુપ્રિમ કોર્ટના આદેશોનું જાણી જોઈને પાલન નહી કરવાનો આરોપ છે.
સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે રાજકારણમાંથી અપરાધને દૂર કરવા અત્યાર સુધી કશું નથી થયું અને
ભવિષ્યમાં પણ કશું નહીં થાય અને અમે પણ અમારા હાથ ઉંચા કરી રહ્યા છીએ સુપ્રિમ કોર્ટે રાજકીય પક્ષોને રાજનીતિના અપરાધીકરણમાંથી મુકત કરવા જે આદેશો આપ્યા હતા તેનુ પાલન ન થતા પોતાની નારાજગી વ્યકત કરી હતી.
આ કેસમાં ચૂંટણી પંચ તરફથી ઉપસ્થિત વકીલે ખંડપીઠને કહ્યુ હતુ કે બિહારમાં ગુનાહીત ઇતિહાસ ધરાવતા 427 ઉમેદવાર હતા. રાજદના 104 દાગી ઉમેદવારો હતો તે પછી ભાજપે આવા 77 ઉમેદવાર પસંદ કર્યા હતા.
ન્યાયમૂર્તિ નરીમનની વડપણવાળી ખંડપીઠે કહ્યુ હતુ કે રાજકીય પક્ષોએ પોતાના પસંદગીના ઉમેદવારોના ગુનાહીત ઈતિહાસ ઉમેદવારી પત્ર દાન કરાઈ તેના 48 કલાકમાં કે ઉમેદવારી પત્ર દાખલ કરવાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે સપ્તાહ પહેલા જે પણ પહેલા હોય તે પ્રકાશિત કરવા પડશે. ચૂંટણી પંચ તરફથી રજૂ થયેલા વકીલે અદાલતના નિર્દેશોનું પાલન ન કરવાની બાબતો વિગતવાર રજૂ કરી હતી. ખંડપીઠે કહ્યું હતું કે આ મામલાને અમે 7 ન્યાયધીશોની ખંડપીઠને સોંપવાના સૂચન પર વિચાર કરીએ છીએ.

રિલેટેડ ન્યૂઝ