કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જતાવી ચિંતા
આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોના વાઇરસનો રોગચાળો બહુ ઝડપથી ફેલાઇ રહ્યો હોવાની ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે
આગામી ચાર અઠવાડિયાં બહુ જ મહત્ત્વનાં રહેશે. કેન્દ્રે કોરોનાના રોગચાળાની બીજી લહેરને કાબૂમાં લાવવા માટે જનતાનો સહકાર માગ્યો હતો. નનિતિથ આયોગના આરોગ્ય વિભાગના સભ્ય ડો. વી. કે. પોલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-19નો રોગચાળો ઝડપથી વધી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં અસંખ્ય લોકોને તેનો ચેપ લાગી શકે છે. તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને નાથવા માટેનાં સાધનો વધારવામાં આવી રહ્યાં છે. ટેસ્ટિંગ અને રસીકરણને પણ ઝડપી બનાવાઇ રહ્યું છે. ડો. વી. કે. પોલે જણાવ્યું હતું કે લોકોએ માસ્ક બરાબર પહેરવાના અને ગિરદી ટાળવાના નિયમનું ચુસ્ત પાલન કરવું જોઇએ. તેમણેદેશનાં અમુક રાજ્યમાં કોરોનાનો રોગચાળો બહુ ઝડપથી ફેલાઇ રહ્યો હોવાનું કહેતા વધુમાં જણાવ્યું હતું કે રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે જનતાનો સહકાર જરૂરી છે. કોરોનાના દરદીઓની સંખ્યા અને મરણાંકમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશની વિશાળ વસતિને જોતા આપણે રોગચાળાને કાબૂમાં લેવા ઘણું જ સારું કામ કરી રહ્યા છીએ અને ઓછી વસતિવાળા અન્ય દેશોની સરખામણીમાં આપણે ત્યાં મરણાંક હજી ઓછો છે.