Site icon Gujarat Mirror

જામનગરના બ્રાસપાર્ટના ઉદ્યોગકાર ગ્રેટર નોઈડા- દિલ્હીના બે શખ્સોની છેતરપિંડીનો શિકાર બન્યા

જામનગરના બ્રાસપાટના એક ઉદ્યોગકાર ગ્રેટર નોઇડા દિલ્હીના બે ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સંપર્ક કર્યા બાદ બ્રાસનો માલ મોકલાવી રૂૂપિયા 21.41 લાખનું પેમેન્ટ નહીં કરી, છેતરપિંડી કર્યાની ફરિયાદ પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર જામનગરમાં મેહુલ નગર વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટ નો વ્યવસાય કરતા જયસુખભાઈ માવજીભાઈ હાપલિયા નામના 48 વર્ષના પટેલ કારખાનેદાર, કે જેઓએ દિલ્હી ગ્રેટર નોઈડા સિરાજ સૈફી ઉર્ફે બંટી તેમજ રોહિત કાનાણી સામે પંચકોસી બી. ડિવિઝન પોલીસ મથકમાં રૂૂપિયા 21,41,165 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીઓએ ફરિયાદી વેપારીનો ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ તેમની પ્રોડક્ટ ખરીદવા માટે ફરીયાદી કારખાનેદારને પોતાના કારખાને બોલાવ્યા હતા, ત્યારબાદ પોતે મોટા વેપારી છે. તે પ્રકાર ની ઓળખ આપી, તેઓની સાથે વેપાર શરૂૂ કર્યો હતો, અને 31,36,165 નો માલ સામાન મંગાવ્યો હતો. જેની સામે 9,95,000 નું ચૂકવણું કર્યું હતું, જ્યારે બાકીની 21,41,165 ની રકમ ચૂકવવાની બાકી રાખી હતી. જે આજ દિન સુધી નહીં ચૂકવતાં આખરે છેતરપિંડી અંગેની બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જે ફરિયાદના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ તપાસ ચલાવી રહ્યા છે અને તપાસનો દોર દિલ્હી ગ્રેટર નોઇડા સુધી લંબાવ્યો છે.

Exit mobile version