Site icon Gujarat Mirror

ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર V/S કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાજપે આ સીટ પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યા બાદ હાલ કોંગ્રેસે પણ પોતાના પક્ષના તરફથી ચૂંટણી લડનાર ઉમેદવારની જાહેરાત કરી છે. કોંગ્રેસે ઉમરેઠ વિધાનસભા સીટ માટે ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે, ત્યારે આ જાહેરાત થતા જ રાજકીય હલચલ શરૂૂ થઈ ગઈ છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે સાથે ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર નિધન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે હર્ષદ પરમારના નામની જાહેરાત કરી હતી. જે બાદ હાલ કોંગ્રેસ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ તરફથી આ બેઠક પર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ ચૂંટણી લડશે.

ઉમરેઠ બેઠકની વાત કરીએ તો, આ બેઠકના કુલ મતદારોના 54 ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. ગોવિંદભાઇ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા અને ભાજપે તેમના પુત્ર હર્ષદ ગોવિંદભાઇ પરમારને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ સતત 15 વર્ષ ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. જેથી આ ચૂંટણી રસાકસી ભરી રહે છે.

નોંધનીય છે કે, ભાજપે અને કોંગ્રેસે બંનેએ ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે પોત પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. હવે આ બંને ઉમેદવારો આગામી 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રક ભરશે અને બાદમાં 7 એપ્રિલે ચૂંટણી પંચ દ્વારા તેમના ફોર્મની ચકાસણી થશે અને બાદમાં 23 એપ્રિલે મતદાન યોજાશે અને 7 મેના રોજ મતગણતરી બાદ આ બેઠક પર કોણ ધારાસભ્ય બનશે તેનો નિર્ણય થશે, ત્યારે હાલ તો આ ચૂંટણી મુદ્દે રાજકીય હલચલ શરૂૂ થઈ છે.

Exit mobile version