આગામી 16 ફેબ્રુઆરીના યોજાનાર જુનાગઢ મહાનગરપાલિા અને રાજયની 68 નગરપાલિકાઓ તથા ત્રણ તાલુકા પંચાયતની ચુંટણીમાં મુરતીયા નકકી કરવા માટે સાંજે મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરીની બોર્ડ મિટિંગ યોજાશે. આવતીકાલે સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારોનાનામની ઘોષણા કરશે.
ભાજપ દ્વારા સેન્સ પ્રક્રીયા પુરી થયા બાદ 2178 બેઠકો માટે 8000 થી વધુ આગેવાનોએ રસ દાખવ્યા બાદ ઉમેદવારોની પસંદગી કરવી અઘરી બનતી જાય છે. શનિવાર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. તે જોતા સંભવત કાલે નામની ઘોષણા કરી દેવામાં આવશે.
પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રથમ જુનાગઢ મહાનગરપાલિકાના ઉમેદવારો નકકી કરવામાં આવશે. ત્યારબાદ 68 નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતના ઉમેદવારો અંગે મંથન કરવામાં આવશે. ટીકીટ વાચ્છુઓની સંખ્યા જોતા એક બેઠક માટે સરેરાશ ચાર ઉમેદવારો જેવો માહોલ છે.
સ્થાનિક સ્વરાજયના પરિણામો આગામી ચુંટણી માટે પણ મહત્વના સાબીત થનાર હોય ભાજપ કોઇ જ વાદ વિવાદ ન થાય તે રીતે પસંદગી પ્રક્રીયા કરશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, રત્નાકરજી, માજી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીતના ઉમેદવારો નકકી કરશે.