રાષ્ટ્રીય
વ્હીપ છતાં ગેરહાજર રહેનારા સિંધિયા સહિતના 20 સાંસદોને ભાજપની નોટિસ
વન નેશન-વન ઈલેક્શન બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, પાર્ટીએ ગૃહમાં ગેરહાજર રહેલા ભાજપના સાંસદોને નોટિસવન નેશન-વન ઈલેક્શન બિલ પર આજે સંસદમાં ચર્ચા કરવામાં આવી હતી અને તેના પર મતદાન થયું હતું. આ બિલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે બંધારણમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.
ભાજપે પોતાના સાંસદોને આ મહત્વપૂર્ણ અવસર પર ગૃહમાં હાજર રહેવા માટે ત્રણ લીટીનો વ્હીપ જારી કર્યો હતો. પરંતુ તેમ છતાં ભાજપના 20 થી વધુ સાંસદો મતદાન સમયે ગેરહાજર રહ્યા, જેના કારણે પાર્ટી નારાજ છે. આ મહત્વના પ્રસંગે ભાજપના 20થી વધુ સાંસદોની ગેરહાજરીને કારણે પાર્ટીના મતોમાં થોડો ઘટાડો થયો હતો. ભાજપે તેના ઘણા સાંસદોને નોટિસ મોકલી છે અને અન્યને પણ નોટિસ મોકલવાની છે.
નોટીસ અપાઇ છે તેમાં જગદંબિકા પાલ, નીતિન ગડકરી, જયોતિરાદિત્ય સિંધિયા, શાંતનુ ઠાકુર, ગિરિરાજ સિંહ, જગન્નાથ સરકાર, ઉદયરાજે ભોંસલે, વિજય બઘેલ, અને બીએસ રાઘવેન્દ્રનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં બંધારણ (129મો સુધારો) બિલ, 2024 અને કેન્દ્ર શાસિત કાયદા (સુધારા) બિલ, 2024 રજૂ કર્યા હતા. બિલની રજૂઆત દરમિયાન ગૃહમાં જોરદાર ચર્ચા થઈ હતી અને વિપક્ષે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. ચર્ચા બાદ મતદાન થયું ત્યારે બિલની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 મત પડ્યા. આ બિલ આખરે સંસદની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવ્યું હતું.