Site icon Gujarat Mirror

ચૂંટણી ટાણે બિસ્વાના સૂર બદલાયા, ગૌમાંસ ખાવા ઉપર પ્રતિબંધ નથી!

આસામ વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે. મતદાનના થોડા કલાકો પહેલા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના ’બીફ સેવન’ અંગેના નિવેદને રાજકીય તોફાન મચાવ્યું છે. સરમાએ જણાવ્યું હતું કે બીફ સેવન પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ તે ખાનગી જગ્યાઓ સુધી મર્યાદિત હોવો જોઈએ. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, ’મુસ્લિમ ભાઈઓ બીફ ખાય છે; અમે તેમને પ્રતિબંધિત નથી કરી રહ્યા. અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે તે ઘરની અંદર ખાવું જોઈએ, જાહેર સ્થળોએ નહીં. મંદિરોની 5 કિલોમીટરની ત્રિજ્યામાં કે કોઈપણ જાહેર સ્થળે તેનું સેવન ન કરવું જોઈએ. મુખ્યમંત્રીના આ નિવેદનથી રાજકીય હોબાળો મચી ગયો છે, વિપક્ષે તેને ભાજપ દ્વારા બેવડું ધોરણ ગણાવ્યું છે.

હકીકતમાં આ નિવેદન મુખ્યમંત્રીના અગાઉના ઘણા નિવેદનોથી તદ્દન વિપરીત છે. થોડા દિવસો પહેલા, જોરહાટમાં એક ચૂંટણી રેલી દરમિયાન, તેમણે કહ્યું હતું કે તેઓ બીફ ખાનારાઓને છોડશે નહીં અને કાનૂની કાર્યવાહી કરશે. તેમણે ત્યારે કહ્યું હતું કે આસામમાં પ્રાણી સંરક્ષણ કાયદો છે, અને જાહેરમાં બીફ ખાવાથી ત્રણ વર્ષની જેલ થઈ શકે છે. હું બીફ ખાનારાઓ સામે પોલીસ એફઆઇઆર દાખલ કરીશ.

મુખ્યમંત્રીના નિવેદન પર વિપક્ષી પક્ષોએ આક્રમક વલણ અપનાવ્યું છે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર પોસ્ટ કરીને કહ્યું, ભાજપને હટાવો, ગાય માતા બચાવો. તેમણે હિમંતાના નિવેદનનું પોસ્ટર શેર કરીને ભાજપ પર નિશાન સાધ્યું.

દરમિયાન, આમ આદમી પાર્ટીએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા. પાર્ટીએ કહ્યું કે ગાય માતા એ ભાજપ માટે ફક્ત એક ચૂંટણી યુક્તિ છે, જેનો ઉપયોગ રમખાણો અને અશાંતિ ભડકાવવા માટે થાય છે. આપ એ આરોપ લગાવ્યો કે જ્યારે ભાજપ અને તેના સમર્થકો ઉત્તર ભારતમાં રક્ષણ ના નામે હત્યાઓ કરે છે, ત્યારે આસામમાં તેના નેતાઓ ગૌમાંસ ખાવાની હિમાયત કરી રહ્યા છે, પરંતુ ઘરે.

Exit mobile version