રાષ્ટ્રીય
ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં 5 લોકોના મોત
ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓમાં અનેક વખત વિસ્ફોટ થયાની ઘટના સમેઅવતી હોય છે ત્યારે બરેલી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયાની ઘટના સામે આવી છે. આજે મોડી સાંજે થયેલા વિસ્ફોટને કારણે ફેક્ટરીની આસપાસના આઠ મકાનો ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે કાટમાળ નીચે દબાઈને પાંચ લોકોના મોત થયા હતા. કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ ઉમટી પડી છે. સ્થાનિક લોકોની મદદથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કાર્ય ચલાવી રહી છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણપુર ગામમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચાલી રહી હતી. આ ફટાકડાના કારખાનાની આસપાસ રહેણાંક મકાનો પણ બનાવવામાં આવ્યા હતા, જેમાં લોકો રહેતા હતા. ગામના રહેવાસી રહેમાન શાહના સંબંધીઓ નાઝીમ અને નાસીર સિરૌલી માર્કેટમાં ફટાકડાનું કામ કરે છે. રહેમાન શાહ પણ પોતાના ઘરે ચોરીછૂપીથી ફટાકડા બનાવીને આપતો હતો.
બુધવારે કલ્યાણપુર ગામમાં રહેમાન શાહના ઘરમાં રાખેલા ફટાકડામાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા હતા. જ્યારે લોકોએ બહાર આવીને જોયું તો રહેમાનનું ઘર સંપૂર્ણપણે કાટમાળ થઈ ગયું હતું. આ વિસ્ફોટની અસરમાં નજીકના આઠ અન્ય મકાનો પણ આવી ગયા હતા. લોકોએ તરત જ સિરૌલી પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડને આની જાણ કરી. માહિતી મળતા જ સિરૌલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ટીમે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, આ અકસ્માતમાં રહેમાન શાહની પુત્રવધૂ સહિત પાંચ લોકો કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણકારી મળ્યા બાદ એસએસપી અનુરાગ આર્યએ એસપી ટ્રાફિક અને સીઓ મીરગંજને ઘટનાસ્થળે મોકલ્યા હતા. SSPનો આદેશ મળતા જ બંને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને અધિકારીઓએ ઘટનાસ્થળે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ઉચ્ચ અધિકારીઓને ઘટનાની જાણ કરી હતી. પ્રશાસનની ટીમ પણ સ્થળ પર હાજર છે.