યોગેશ સાગરની ભૂમિકા અંગે પણ તપાસ માટે ‘સિટ’ની રચના કરવા માગણી
કોળી સમાજના જાગૃત યુવાન અને સામાજિક કાર્યકર નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. જેમાં આઠ જેટલા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા આ હુમલા બાદ હવે ન્યાયની માંગ સાથે પોલીસ પ્રશાસન અને સરકાર સામે ગંભીર આક્ષેપો કરતા આમ આદમી પાર્ટીના તથા કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી દ્વારા કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, નવનીત બાલધિયાએ લોકગાયક માયાભાઈ આહીરનું ધ્યાન દોર્યું હતું કે મુંબઈના ધારાસભ્ય યોગેશ સાગર આશ્રમના ’મેનેજિંગ ટ્રસ્ટી’ નથી પરંતુ માત્ર ’ટ્રસ્ટી’ છે, આ બાબતની સત્યતા સ્વીકારી માયાભાઈએ માફીનો વીડિયો પણ વાઇરલ કર્યો હતો. નવનીત બાલધિયાએ ક્યારેય માફીની માગ કરી નહોતી છતાં આ સામાન્ય બાબતને લઈને 8 જેટલા શખસોએ તેમના પર ઘાતક હુમલો કર્યો હતો.
હુમલા બાદ નવનીત બાલધિયા જ્યારે ફરિયાદ નોંધાવવા ગયો ત્યારે બગદાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા બે-ત્રણ દિવસ સુધી ફરિયાદ લેવામાં આનાકાની કરવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. એવું પણ સામે આવ્યું છે કે, પોલીસ અધિકારીઓએ મુદ્દાને ડાયવર્ટ કરવાના પ્રયત્નો કર્યા હતા અને ફરિયાદી જે હકીકત લખાવવા માંગતા હતા તે મુજબ ફરિયાદ નોંધવાની ના પાડી હતી.
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીત બાલધિયાએ હુમલા પૂર્વેની ઘટનાઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે કે, હુમલાના થોડા સમય પહેલા જ માયાભાઈના પુત્ર જયરાજનો ફોન આવ્યો હતો અને લોકેશનની પૂછપરછ કરવામાં આવી હતી. આ હુમલાના તાર મુંબઈ સુધી જોડાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈના ભાજપના ધારાસભ્ય યોગેશ સાગરની ભૂમિકા અંગે પણ તપાસની માગ કરવામાં આવી છે. આ ઘટના પાછળ કોઈ મોટા માથાનો હાથ હોવાની પૂરી શક્યતા છે. મુંબઈના ઈશારે આ હુમલો થયો હોય તેવું જણાય છે, તેથી તમામ શંકાસ્પદ વ્યક્તિઓના કોલ ડિટેલ્સ અને લોકેશનની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. આ સમગ્ર કેસમાં ’દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ વડા પાસે સીટની રચના કરવાની માગ કરવામાં આવી છે, નવનીત બાલધિયા અને તેમના પરિવારને ન્યાય મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા થાય.
નવનીત બાલધિયા સામે પણ કરોડોની માટી ચોરીનો આરોપ
બગદાણાના બબાલમાં નવનીત બાલધીયા, માયાભાઈ આહિર, જયરાજ આહિર અને હીરા સોલંકી બાદ હવે સુરતના પાટીદાર મહિલા ચિત્રમાં આવ્યાં છે. સુરતમાં રહેતાં પાયલબેન વઘાસિયાએ નવનીત બાલધીયા પર ત્રણથી ચાર કરોડની માટી ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો. મહિલાએ હીરાભાઈ સોલંકીને સંબોધીને અપીલ કરી કે જો તમે 3 કલાકમાં પોલીસની બદલી કરાવી શકતા હોય તો દોઢ વર્ષથી ચાલતી મારી લડતમાં મને ન્યાય અપાવો. સુરતના મહિલા પાટીદાર પાયલબેન વઘાસિયાએ સરપંચ નવનીત બાલધીયા પર આરોપ મુકતા કહ્યું કે, “નવનીતભાઈ સામે હું દોઢ વર્ષથી લડત ચલાવી રહી છું. મારા મામાના ગામ બેડામાં આવેલી 172 વીઘા જમીનમાંથી કોઈપણ જાણ કર્યા વગર જમીન ખનન કરી માટી ચોરી કરી છે. આ અંગે જ્યારે જાણ થઈ તો મેં નવનીત ભાઈને ફોન કર્યો અને સવાલ કર્યો કે તમે કોની મંજૂરી લઈને માટી લીધી? તો તેણે ઉડાવ જવાબ આપ્યો અને ગાંધીનગર સુધી તેની પહોંચ હોવાની ધમકી આપી. તેથી હું ચૂપ રહી.
નીમુબેન બાંભણિયા પણ પહોંચ્યા
ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ બગદાણા આશ્રમના સેવક પર હિચકારા હુમલાને પગલે કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોળી સમાજના અગ્રણી તેમજ ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી ઈજાગ્રસ્ત યુવકને મળ્યા બાદ ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા પણ બગદાણા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પૂર્વ મંત્રી આરસી મકવાણા સહિત કોળી સમાજના આગેવનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સાંસદ નિમુબેન બાંભણિયાએ જણાવ્યું કે, નવનીતભાઈ પર થયેલા હુમલા મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂૂ કરી દીધી છે. મારા સહિત સમગ્ર કોળી સમાજ તેમની સાથે જ છે. આ ગુનામાં જે કોઈ આરોપીઓ હશે, તેમના પર સખ્ત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

