ભાજપમાં 75 વર્ષ પૂરાં કરનારા નેતાઓને રવાના કરી દેવાનો મુદ્દો સાવ ભુલાઈ ગયેલો પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં આ મુદ્દો છેડી દીધો. ભાગવતે કહ્યું કે, કોઈ પણ નેતાએ 75 વર્ષની ઉંમરે હોદ્દો છોડી દેવો જોઈએ. 75 વર્ષના થાઓ એટલે અટકી જવાનું હોય ને બીજાને તક આપવાની હોય.
સંઘના વિચારક મોરોપંત પિંગલેને સમર્પિત પુસ્તક ’મોરોપંત પિંગલે: ધ આર્કિટેક્ટ ઓફ હિંદુ રિસર્જન્સ’ના વિમોચન કાર્યક્રમમાં બોલતા હતા એટલે મોહન ભાગવતે પિંગલે સાથેની સ્મૃતિઓને યાદ કરતાં કહ્યું કે, મોરોપંત પિંગલે રમૂજી માણસ હતા. મોરોપંત પિંગલેએ એક વખત કહ્યું હતું કે, તમને 75 વર્ષના થયા પછી શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવે તેનો અર્થ એ છે કે તમારે હવે અટકી જવું જોઈએ, તમે વૃદ્ધ થઈ ગયા છો, તમારે ખસી જવું જોઈએ અને બીજા લોકો માટે જગા કરી દેવી જોઈએ.
પિંગલેજીએ ખરેખર આ વાત કરેલી કે નહીં એ આપણને ખબર નથી પણ ભાગવતની વાતને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડીને ચોવટ શરૂૂ થઈ ગઈ છે. સપ્ટેમ્બરમાં મોદી 75 વર્ષના થવાના છે ત્યારે ભાગવતે આડકતરી રીતે તેમને ખસીને નવા ચહેરાને તક આપવા કહી દીધું છે એવું અર્થઘટન કરાઈ રહ્યું છે. મોદીને સીધેસીધું કહેવાના બદલે ભાગવતે ’કહી પે નિગાહેં, કહીં પે નિશાના’ કરીને બે મહિના પછી 75 વર્ષ પૂરાં થાય ત્યારે સત્તા છોડીને ગૌરવભેર ખસી જવાનો ઈશારો કર્યો એવી વાતો ચાલી રહી છે.
સત્તા છોડવી અઘરી છે ને તેમાં પણ સિદ્ધાંતના કારણોસર સત્તા છોડવી તો બહુ જ અઘરી છે. ક્યાંક ફસાયા પછી સત્તા છોડવા સિવાય આરો ના હોય ત્યારે ખસો એ અલગ વાત છે પણ સામેથી સત્તા છોડનારા વિરલા બહુ ઓછા હોય છે. મોદી એવું કરી બતાવે તો ઈતિહાસમાં અમર થઈ જાય ને આવનારી પેઢીઓ માટે પણ એક અનુસરણીય ઉદાહરણ મળે તેમાં શંકા નથી પણ સવાલ એ છે કે, ભાજપને મોદીને છોડવા પરવડે ખરા? બિલકુલ ના પરવડે.
ભાજપના નેતાઓ સંગઠનના જોરે ભાજપ મોટો બન્યો ને દેશભરમાં છવાઈ ગયો એ સહિતની વાતો કરે છે પણ વાસ્તવમાં ભાજપની સફળતાનો યશ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાતનાં 2002નાં રમખાણોના પગલે નરેન્દ્ર મોદીની પ્રખર હિંદુવાદી નેતા તરીકેની ઈમેજ ઊભી થઈ તેના કારણે ભાજપ સતત બે વાર લોકસભામાં સ્પષ્ટ બહુમતી સાથે જીત્યો અને સળંગ ત્રીજી વાર પણ સત્તામાં આવ્યો. આ સંજોગોમાં મોદી ખસવા તૈયાર થાય તો પણ ભાજપને મોદીને જવા દેવા પરવડે તેમ નથી એ જોતાં મોદી રિટાયર થાય એવી આશા રાખવા જેવી નથી

