Site icon Gujarat Mirror

ટ્રેક પરનો મૃતદેહ જોવા ગયેલા 5 પ્રવાસીઓ પર બીજી ટ્રેન ફરી વળી

વ્યર્થ જિજ્ઞાસાએ પ્રયાગરાજમાં નિર્દોષોની જિંદગી લીધી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના યમુનાપાર વિસ્તારમાં સાંજના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. એનસીઆર ડિવિઝનના પ્રયાગરાજ મંડળ હેઠળના કરછના-ભીરપુર સેક્શન વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માતને પગલે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

ઘટનાની વિગત મુજબ, ટ્રેક પર અગાઉથી એક અજાણ્યો મૃતદેહ પડેલો હતો. આ મૃતદેહ જોઈને ’નેતાજી એક્સપ્રેસ ટ્રેન’ (ટ્રેન સંખ્યા 12312) ના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેન ઉભી રાખી દીધી હતી. સાંજે લગભગ 6:15 કલાકે ટ્રેન ઉભી રહેતા જનરલ બોગીમાંથી કેટલાક મુસાફરો ઉત્તેજનાવશ નીચે ઉતરી ગયા હતા

અને બાજુના બીજા ટ્રેક પર જઈને ઉભા રહી ગયા હતા. તે જ સમયે સામેથી ટ્રેન સંખ્યા 12801 ’પુરુષોત્તમ એક્સપ્રેસ’ અંદાજે 6:47 કલાકે પસાર થઈ હતી. ટ્રેક પર ઉભેલા પાંચ મુસાફરો સામેથી આવતી આ ટ્રેનની અડફેટે આવી ગયા હતા અને તમામના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

ઉત્તર મધ્ય રેલવેના સીપીઆરઓ શશિકાંત ત્રિપાઠીએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે રેલવે પ્રશાસન દ્વારા જરૂૂરી કાનૂની અને વહીવટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં જીઆરપી, આરપીએફ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. મૃતકોની ઓળખ કરવા માટે તેમના પાસેથી મળેલા દસ્તાવેજો અને અન્ય સામાનની મદદ લેવામાં આવી રહી છે. સાથે જ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય સહ-મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. રેલવે એ બાબતની પણ તપાસ કરી રહ્યું છે કે જે મૃતદેહ ટ્રેક પર પહેલાથી પડેલો હતો, તે વ્યક્તિના મોતનું કારણ શું હતું.

પ્રયાગરાજના કરછનામાં બનેલી આ અત્યંત દુ:ખદ ઘટનાની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોંધ લીધી છે. તેમણે મૃતકોના શોકતપ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. વધુમાં, તેમણે વહીવટી અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી ઝડપી બનાવવા અને અસરગ્રસ્તોને જરૂૂરી મદદ પૂરી પાડવા નિર્દેશ આપ્યા છે.

Exit mobile version