Site icon Gujarat Mirror

પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજાની સાબરમતી જેલમાં બદલી

રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, જે 1988ના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે, તેમને સવારે 7 વાગ્યે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ જિલ્લા જેલમાંથી અમદાવાદની હાઈ-સિક્યોરિટી સાબરમતી મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ ટ્રાન્સફરને રાજ્ય જેલ વિભાગની અત્યંત ગુપ્ત અને સુરક્ષાત્મક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લા જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહારના જણાવ્યા અનુસાર સરકારના નીતિ-નિયમો અને વહીવટી કારણોસર અનિરુદ્ધસિંહ જાડેજાને અમદાવાદ જેલમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસના ચુસ્ત જાપ્તા અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સાબરમતી જેલમાં તેમની સુરક્ષા અને અન્ય કેદીઓ સાથેના સંપર્કને લઈને વિશેષ તકેદારી રાખવામાં આવશે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ સમગ્ર મામલાના મૂળ 36 વર્ષ જૂના ગોંડલના ચકચારી હત્યાકાંડમાં રહેલા છે. 15 ઓગસ્ટ 1988ના રોજ જ્યારે આખો દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ગોંડલ ખાતે ધ્વજવંદનના જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઇ સોરઠિયાની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ હાઈ-પ્રોફાઈલ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા મુખ્ય આરોપી હતા અને લાંબી કાનૂની લડત બાદ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

વર્ષ 2018માં તત્કાલીન જેલ સત્તાધીશો દ્વારા અનિરુદ્ધસિંહને સારા વર્તનના આધારે સજામાફી આપી જેલમુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, આ મુક્તિ વિવાદોના ઘેરામાં રહી હતી. પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાના પૌત્રએ આ સજામાફીને પડકારતા ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કપી હતી. હાઈકોર્ટે ગત સપ્તાહ દરમિયાન આ મામલે કડક વલણ અપનાવતા જેલ અધિક્ષક ટી.એસ. બિસ્તના સજામાફીના હુકમને ગેરકાયદે ઠરાવી રદ કર્યો હતો.

Exit mobile version