રાષ્ટ્રીય
અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, સંધ્યા થિયેટર કેસમાં હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન
હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. પોલીસે આજે સવારે જ અભિનેતાની ધરપકડ કરી હતી. આ પછી તેને પૂછપરછ માટે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 32 વર્ષીય મહિલાનું મોત થયું હતું.
હાઈકોર્ટનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે નીચલી અદાલતે નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો હતો. જો કે હવે હાઈકોર્ટે અલ્લુ અર્જુનને મોટી રાહત આપી છે અને તેને વચગાળાના જામીન આપ્યા છે.
4 ડિસેમ્બરે, બ્લોકબ્લાસ્ટર ફિલ્મ પુષ્પા 2ની સ્ક્રીનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા. ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે શુક્રવારે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી.
એક તરફ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી અને બીજી તરફ તેણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી તાકીદે સુનાવણીની માંગ કરી હતી. હવે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે વચગાળાના જામીન આપવાનો આદેશ કર્યો છે.
અલ્લુ અર્જુન પહેલા સંધ્યા થિયેટર કેસમાં ધરપકડ થયા બાદ અને પછી હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ ભાવુક જોવા મળ્યો હતો. જ્યારે પોલીસ વાહનમાં કોર્ટ પહોંચ્યો ત્યારે અલ્લુ અર્જુન ખૂબ જ ભાવુક જોવા મળ્યો હતો. તેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યાં હતાં.