Site icon Gujarat Mirror

શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ વિરૂધ્ધના આરોપો રાજકીય ષડયંત્ર

જ્યોતિષપીઠના શંકરાચાર્યના સમર્થનમાં દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનુ મહત્વપૂર્ણ નિવેદન

તાજેતરમાં બદ્રીનાથનાં જ્યોતિષપીઠનાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરૂૂદ્ધ થયેલા યૌન શોષણ સહિતનાં આરોપોથી ખળભળાટ થયા પછી આ મુદ્દે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ઝારખંડ પ્રવાસ દરમ્યાન આ મુદ્દે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનાં સમર્થનમાં મહત્વનું નિવેદન આપ્યું છે.

ઝારખંડનાં મનોહરપુરનાં વિશ્વ કલ્યાણ આશ્રમ સમીજમાં આયોજીત પત્રકાર પરીષદમાં સ્વામી સદાનંદ સરસ્વતીજીએ સ્પષ્ટ નિવેદન આપ્યું છે કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધનાં આરોપો પાછળ રાજકારણ અને ષડયંત્ર છે.સાચા સંતો શંકરાચાર્યજીની સાથે છે. સત્ય જલ્દી જ બહાર આવશે અને સત્યનો વિજય થશે. આ તકે તેમણે ’નીતી થી રાજનીતી’ થશે તો જ સૌનું કલ્યાણ થશે એવો સૂચક સંદેશ આપી અમુક સંતો સત્તાને જ સત્ય સમજી સત્તાધીશોનાં દિશાનિર્દેશ પર કામ કરતા હોવાનું જણાવી આવા સંતોને ભૌતિક સુખ સુવિધા તો મળશે પણ પરમાત્મા નહી મળે એવી પણ વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે તેમણે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનાં પટ્ટાભિષેકને લઇને ઉઠતા સવાલો ઉપર પણ જવાબ આપતા જણાવ્યું હતુ કે પટ્ટાભિષેક પરંપરાગત રીતે અને નિયમાનુસાર થયા છે અને તેનાં પુરતા પુરાવાઓ પણ ઉપલબ્ધ છે. આમ દ્વારકા શારદાપીઠનાં શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી દ્વારા જ્યોતિષપીઠનાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનાં સમર્થનમાં મિડીયાને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું.

Exit mobile version