Site icon Gujarat Mirror

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ઘટના બાદ ગુજરાતમાં કફ-સિરપની તપાસના આદેશ

બન્ને રાજ્યના રિપોર્ટ્સનો અભ્યાસ અને ગુણવત્તા ચકાસવા સુચના

રાજસ્થાનમાં કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મોતના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા છે. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આરોગ્ય વિભાગ પાસેથી આ અંગે રિપોર્ટ માંગ્યો છે અને કેન્દ્રની માર્ગદર્શિકા તથા રાજસ્થાનના રિપોર્ટનો અભ્યાસ કરવા સૂચના આપી છે. આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો છે.

કેન્દ્રીય મંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે પગલાં લેવા જણાવ્યું છે. તેમણે ખાસ કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને રાજસ્થાનમાંથી આવેલા રિપોર્ટ્સનો સંપૂર્ણ અભ્યાસ કરવાની સૂચના આપી છે. આ અભ્યાસના આધારે ગુજરાતમાં વેચાતી કફ સિરપની ગુણવત્તા અને તેના વેચાણ પર સઘન તપાસ હાથ ધરવામાં આવશે.

આ મામલે ઋષિકેશ પટેલે સમગ્ર મામલે વિસ્તૃત અને તાત્કાલિક રિપોર્ટ પણ માંગ્યો છે. આ તપાસ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા હાથ ધરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ગુજરાતના બજારમાં કોઈ નબળી કે ઝેરી ગુણવત્તાની કફ સિરપનું વેચાણ ન થાય અને બાળકોના સ્વાસ્થ્યને જોખમ ન પહોંચે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશની આ બંને ઘટનાઓ બાળકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની ગુણવત્તા નિયંત્રણ પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે, જેના પગલે ગુજરાત સરકાર પણ સાવચેત બની છે. અને તપાસના આદેશ આપ્યા છે.

Exit mobile version