કોટડાસાંગાણી તાલુકાના શાપર-વેરાવળ ગામમાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જે હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં વેરાવળના શિવનગર, શેરી નંબર 4માં એક ભયાનક ઘટના બની હતી, જેમાં બાઈક લઈને પસાર થઈ રહેલા એક યુવાન પર રખડતા ઢોરે અચાનક હુમલો કર્યો હતો. ઢોરના આક્રમક હુમલામાં યુવાન બાઈક પરથી પછડાયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ વિડીયોમાં 25 જેટલા લોકો લાકડી અને પથ્થરો લઇ યુવાનને બચાવવા દોડો છે આમ છતા ગાયે દોઢ મીનીટ સુધી યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો. સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભયનો માહોલ છવાયેલો છે. લોકોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રખડતા ઢોરના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આ લાપરવાહીને કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે, જેને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસે તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

