Site icon Gujarat Mirror

ધો.10-12ની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર; 15.28 લાખ છાત્રો આપશે પરીક્ષા

ગત વર્ષ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1 લાખનો વધારો, દિવ્યાંગોને એક કલાકનો વધારાનો સમય અપાશે

ધો.10 માટે 1006 કેન્દ્ર અને 3243 બિલ્ડિંગ, ધો.12 માટે 539 કેન્દ્રના 1728 બિલ્ડિંગોમાં વ્યવસ્થા

ગુજરાતમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, ત્યારે આ પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરાયો છે. રાજ્યમાં 15 લાખ 27 હજાર 724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ વખતે પ્રથમવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં કલાક દીઠ 20 મિનિટ વધુ ફાળવાશે. એટલે કે 3 કલાકના પેપરમાં વધુ એક કલાક દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે.

ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર થઈ ચૂક્યો છે. રાજ્યમાં 15 લાખ 27 હજાર 724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી 9 લાખ 7 હજાર 175 વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. જ્યારે 1 લાખ 19 હજાર 263 વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સની તથા સામાન્ય પ્રવાહમાં 5 લાખ 1 હજાર 286 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ પરીક્ષાઓની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
બોર્ડે ધોરણ 10માં વિદ્યાર્થીઓ માટે 3243 બિલ્ડિંગના 1006 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરાયું છે. સાથે જ 5070 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે આ વખતે પ્રથમવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિશેષ છૂટ મળવાની હોવાથી બોર્ડે તે અંગે પણ વિશેષ વ્યવસ્થા હાથ ધરી છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ વર્ષે પરીક્ષામાં પ્રતિ કલાક 20 મિનિટનો વધુ સમય ફાળવાશે. એટલે કે 3 કલાકના પેપરમાં વધુ એક કલાક દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે.

ગત વર્ષ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ કરતાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજે 1 લાખ જેટલો વધારો થયો છે. ગત વર્ષે 14.28 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ચાલુ વર્ષે રાજ્યના જિલ્લા અને તાલુકા કક્ષાના કુલ 53,764 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા 26મી ફેબ્રુઆરીથી ધો.10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે આ પરીક્ષા 18મી માર્ચ સુધી ચાલુ રહેશે. એક્શન પ્લાનમાં જાહેર આંકડાકીય વિગતો પ્રમાણે બોર્ડની પરીક્ષા માટે કુલ 15,27,724 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. જે પૈકી ધો.10માં કુલ 9,07175 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં પણ નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા 7,69,994 અને ખાનગી 19825 અને 70702 રીપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં કુલ 5,01286 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. આજ રીતે ધો.12 સાયન્સમાં 1,19,263 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે જેમાં 1,11,294 નિયમિત, 7690 રીપીટર અ 279 પૃથ્થક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

મહત્વની વાત એ કે, ચાલુવર્ષે 7363 દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પણ પરીક્ષા આપવા માટે નોંધણી કરાવી છે. જેમાં ધો.10માં સૌથી વધારે 4877 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 2292 અને ધો.12 સાયન્સમાં 193 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષાનું આયોજન કરવા માટે બોર્ડ દ્વારા કુલ 1701 કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે. ધો.10ની પરીક્ષા માટે 87 ઝોનના 1006 કેન્દ્ર અને 3243 બિલ્ડિંગના 31001 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. આ જ રીતે ધો.12માં 59 ઝોનમાં 695 કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે.

જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 539 કેન્દ્રના 1728 બિલ્ડિંગના 16664 બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજ રીતે ધો.12 સાયન્સમાં 156 કેન્દ્રના 594 બિલ્ડિંગના 6099 વ્યવસ્થા ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે ગણતરી કરીએ તો ધો.10માં 4,98,305 વિદ્યાર્થીઓની સામે 4,08,870 વિદ્યાર્થિનીની નોંધણી થઇ છે. આજ રીતે ધો.12 સામાન્યમાં 62,609 વિદ્યાર્થીઓની સામે 56,654 વિદ્યાર્થિનીઓએ નોંધણી કરાવી છે. આજ રીતે સામાન્ય પ્રવાહમાં 2,61,697 વિદ્યાર્થીઓ અને 2,39,589 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. એક્શન પ્લાનની સાથે જ પરીક્ષા કેન્દ્રો પર કેવા પ્રકારની વ્યવસ્થા રાખવી, વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન કઇ વસ્તુ ન લઇ જવી, સ્કૂલો અને ઝોનલ કચેરીઓએ કેવી તકેદારી રાખવી તે સહિતની ગાઇડલાઇન પણ જાહેર કરી દેવામાં આવી છે.

ધો.10 અને 12માં કુલ 99 કેદીઓ પરીક્ષા આપશે
ધો.10માં કુલ 59 અને ધો.12માં કુલ 40 કેદીઓ પરીક્ષા આપશે. જિલ્લા પ્રમાણે જોઇએ તો અમદાવાદ જિલ્લામાં ધો.10માં 30 અને ધો.12માં 15 કેદીઓ પરીક્ષા આપશે. જેના માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આજ રીતે વડોદરામાં ધો.10માં 10 અને ધો.12માં 7 કેદીઓ, રાજકોટમાં ધો.10માં 6 અને ધો.12માં 6 કેદીઓ પરીક્ષા આપશે. સુરતમાં ધો.10માં 13 અને ધો.12માં 12 કેદીઓ પરીક્ષા આપશે. જેની બેઠક વ્યવસ્થા લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે કરવામાં આવશે. ગતવર્ષે કુલ 113 કેદીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.

ધો.10 અને 12ની પરીક્ષાને લઇને હેલ્પલાઇન જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે કચેરી દ્વારા સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર અને સાયલોકોજીસ્ટના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા કંટ્રોલરૂૂમ અને સારથી હેલ્પલાઇન વોટ્સએપનંબર અને બોર્ડના હેલ્પલાઇન નંબર પર વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી મુંઝવણનું માર્ગદર્શન મેળવી શકશે.

Exit mobile version