વેરાવળના જાલેશ્વર વિસ્તારમાંથી માછીમારી માટે ગયેલી એક ફિશિંગ હોડીને અરબી સમુદ્રમાં માધુપુર નજીક મોટા જહાજે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહામહેનતે ત્રણેય માછીમારોને બચાવી લઈ સુરક્ષિત રીતે દરીયામાંથી બહાર કાઢ્યા હતા.
માધુપુર નજીકના દરિયામાં બનેલ આ બનાવમાં આઇએનડી જીજે 32 એમડી 6578 નંબરની ફિશિંગ હોડી સંપૂર્ણપણે તૂટી ગયેલ અને હોડીમાં સવાર બાબા કબીર ઢોકી, સાહિલ સુલેમાન ઢોકી અને મોહસીન બાપુ નામના ત્રણેય માછીમારો દરિયામાં ડૂબવા લાગ્યા હતા. આ સમયે સદભાગ્યે નજીકમાં રહેલી અન્ય ફિશિંગ હોડીના માછીમારોનું ધ્યાન જતા તુરંત ડુબતા માછીમારોને બચાવવા કવાયત હાથ ધરી હતી. જેમાં મહામહેનતે ત્રણેય માછીમારોને બચાવી લઈ સુરક્ષિત રીતે દરીયામાંથી બહાર કાઢ્યા હતા. આ અકસ્માત અંગે બારગામ મુસ્લિમ મછીયારા સમાજના પ્રમુખ યુસુફ સુલેમાન ભેંસલીયાના જણાવ્યા મુજબ મહાકાય જહાજની બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. હોડીના માલિક કબીર અબ્દુલ્લા ઢોકીને હોડી સંપૂર્ણપણે તૂટી જવાથી લાખો રૂૂપિયાનું નુકસાન થયું છે.
માછીમાર સમુદાયમાં આ બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મોટા જહાજોની બેદરકારીથી વારંવાર થતા આવા અકસ્માતો રોકવા માટે સંબંધિત તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ અને નાના માછીમારોની આજીવિકા અને જીવન જોખમમાં મૂકાતા હોવાથી યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે.