જામનગર રોડ ઉપર આવેલ સાંઢિયા પુલ પાસે વાલ્મિકી વાડીમાં રહેતા યુવકે પ્રેમ પ્રકરણમાં ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ ઉપર સાંઢીયા પુલ પાસે આવેલ વાલ્મિકી વાડીમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રવિ વિનોદભાઈ કબીરા નામનો 26 વર્ષનો યુવાન સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં રવિ કબીરા પરિણીત છે અને તેને સંતાનમાં બે પુત્ર છે રવિ કબીરાને અન્ય યુવતી સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો જે પ્રેમ પ્રકરણના કારણે રવિ કબીરાએ ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં કાલાવાડ રોડ ઉપર એકલવ્ય હાઉસિંગ સોસાયટીમાં રહેતા રસિક રાજેન્દ્રભાઈ લોહા નામના 52 વર્ષના આધેડે માનસિક બીમારીના કારણે એસિડ પી લીધું હતું. જ્યારે મૂળ અમરેલી પંથકના વતની અને હાલ 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ગૌતમ બુદ્ધનગરમાં રહેતા જેસીંગ મનુભાઈ સાગઠીયા નામના 30 વર્ષના યુવાને ગોંડલ ચોકડી પાસે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. વિષપાન કરનાર આધેડ અને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

