કોટડાસાંગાણી તાલુકાના અનીડા વાછડા ગામે માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ કોટડાસાંગાણીના અનિડા વાછડા ગામે રહેતાં નટુભાઈ કાનજીભાઈ દાફડા (ઉ.42) નામના યુવાને ગત તા.16ના બપોરે પોતાના ઘરે લાકડાની આડીમાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતાં તેને પરિવારજનો દ્વારા ગંભીર હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલ હોસ્ફિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું ચાલુ સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી લોધિકા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક નટુભાઈ ત્રણ ભાઈમાં મોટા અને કડીયાકામ કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે.
