રાજકોટ, ગોંડલ, જેતપુર અને જૂનાગઢના વેપારીઓને લાખોનો ચુનો લગાવ્યાનું તપાસમાં ખુલ્યું
કેશોદ શહેરમાં વેપારીઓને વિશ્વાસમાં લઈને છેતરપિંડી કરતી ટોળકી ફરી એકવાર સક્રિય થઈ હોય એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની સિવિલ કોર્ટ પાછળ ફાગરી રોડ પર આવેલી ’ઘનશ્યામ એન્ટરપ્રાઇઝ’ નામની પેઢી ધરાવતા મનસુખભાઈ પરસોત્તમભાઈ ધોળુ સાથે રૂૂપિયા 13,60,485ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
વર્ષ 2015થી સિંગદાણા અને મગફળીના વ્યવસાય સાથે સંકળાયેલા મનસુખભાઈને વલસાડના એક કથિત મોટા વેપારીએ દલાલની ઓળખાણનો લાભ લઈ શીંગદાણાના સોદામાં લાખોનો આર્થિક ફટકો માર્યો છે. આ મામલે કેશોદ પોલીસે તપાસ તેજ કરી આરોપીને ટ્રાન્સફર વોરંટથી કસ્ટડીમાં લીધો છે.
આરોપી કિશન મનોજભાઈ સવસાણી જે વલસાડમાં ’મધુસૂદન ટ્રેડિંગ’ ના નામે પેઢી ચલાવતો હોવાનું જણાવી વેપારીઓના સંપર્કમાં આવ્યો હતો. જૂનાગઢના ભાનુ બ્રોકર અને રાકેશભાઈ કારિયા નામના દલાલો મારફતે આ સોદો નક્કી થયો હતો. દલાલોએ ભરોસો આપ્યો હતો કે કિશન વલસાડનો મોટો કારખાનેદાર છે અને તેની સાથે વ્યવહાર કરવામાં કોઈ જોખમ નથી. આ વિશ્વાસના આધારે મનસુખભાઈએ દૈનિક બજાર ભાવ મુજબ કુલ 13.60 લાખથી વધુની કિંમતના ખારી સિંગના દાણાનો માલ કિશનને મોકલી આપ્યો હતો. જોકે માલ મળ્યા બાદ આરોપીએ અસલી રંગ બતાવવાનું શરૂૂ કર્યું હતું.
માલની રકમ ચૂકવવા બાબતે જ્યારે મનસુખભાઈએ ઉઘરાણી શરૂૂ કરી ત્યારે આરોપી કિશન દ્વારા સતત વાયદાઓ કરવામાં આવતા હતા. ’આજે પેમેન્ટ થઈ જશે, કાલે ચોક્કસ મળી જશે’ તેવા બહાના હેઠળ લાંબો સમય પસાર કર્યા બાદ આરોપીએ વેપારીનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું સમજાતા મનસુખભાઈએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ આરોપીએ માત્ર કેશોદ જ નહીં પરંતુ જૂનાગઢ, ગોંડલ, રાજકોટ અને જેતપુરના અન્ય અનેક વેપારીઓને પણ આ જ પધ્ધતિથી લાખો રૂૂપિયાનો ચૂનો લગાવ્યો છે.
આ ગંભીર છેતરપિંડી અંગે એસપી બી. સી. ઠક્કરે જણાવ્યું હતું કે, ગત 17 માર્ચ, 2024ના રોજ નોંધાયેલી આ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ખૂલ્યું હતું કે, આરોપી કિશન સવસાણી અગાઉ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એક ગુનામાં પકડાયેલો હતો અને જેલમાં હતો. જેથી કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે તેનો જેલમાંથી કબજો મેળવી આ ગુનામાં તેની ધરપકડ કરી છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ છેતરપિંડીમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આરોપીએ અન્ય કયા કયા વેપારીઓને નિશાન બનાવ્યા છે.

